લોકસભાની ચૂંટણીમાં ભાજપ યુવા નેતાઓને તક આપશે

 

નવી દિલ્હીઃ સતત બે સામાન્ય ચૂંટણી અને હાલમાં જ ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર દેખાવ પછી ભાજપ ૨૦૨૪ની તૈયારી શરૂ કરી દીધી છે. જેમાં તે યુવાનોને પ્રોત્સાહિત કરવા નવિ ફોર્મ્યુલા લાંવી રહ્યાં છે. સાંસદોના દેખાવ, ગ્રાઉન્ડ ફીડબેક અને વિવિધ બેઠકનાં જાતિ સહિતનાં સમીકરણોને ધ્યાનમાં રાખી ભાજપે ઉંમર પ્રમાણે પણ ટિકિટોની વહેંચણીના નિયમ બનાવવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોના મતે, આ મુદ્દે પક્ષમાં ઉચ્ચ સ્તર સુધી સંમતિ સધાઈ છે. તેમાં નક્કી કરાયું છે કે હાલના જે સાંસદનો જન્મ ૧૯૫૬ પહેલાં થયો છે, તેમને ૨૦૨૪માં લોકસભા ટિકિટ નહિ અપાય. જો આ નિયમ લાગુ થશે તો ભાજપના હાલના ૩૦૧ સાંસદમાંથી ૮૧ને ટિકિટ નહિ મળે. ફક્ત બે અપવાદરૂપ નેતાને આ નિયમમાંથી છૂટ મળી શકે છે.

ગત લોકસભા ચૂંટણીથી જ ભાજપ ૭૦ વર્ષથી વધુ ઉંમરના નેતાઓને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ નહિ કરવાના નિયમનું પાલન કરી રહ્યો છે. પક્ષનું માનવું છે કે નવા લોકોને ત્યારે જ તક મળશે જ્યારે જૂના કાર્યકરો નવા લોકોને રસ્તો કરી આપશે. પક્ષના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે આ ટિકિટ કાપવાની નહિ, પરંતુ બેટન પોતાનાથી નાની ઉંમરના કાર્યકરને સોંપવા જેવી છે. ૨૦૨૪ સુધી ભાજપના ૨૫ ટકા સાંસદ ૭૦ વર્ષથી વધુ ઉંમરના હશે. ૧૭મી લોકસભામાં ભાજપના આશરે ૨૫ સાંસદ ૨૦૨૪ની ચૂંટણી સુધી ૭૦ વર્ષથી વધુ ઉંમરના થઈ જશે. ૧૯૫૬ પહેલાં જન્મેલા હાલના સાંસદોમાં સૌથી વધુ ઉત્તરપ્રદેશથી ૧૨, ગુજરાતથી ૯, કર્ણાટકથી ૯, મધ્યપ્રદેશ, બિહારથી છ-છ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પાંચ-પાંચ તેમજ ઝારખંડથી બે છે.

આ કેટેગરીમાં હેમામાલિની, સદાનંદ ગૌડા, રાવ સાહેબ દાનવે, વી. કે. સિંહ, અશ્વિની ચૌબે, એસ. એસ. આહલુવાલિયા, રીટા બહુગુણા જોશી, કિરણ ખેર, અર્જુનરામ મેઘવાલ, શ્રીપદ નાયક, રવિશંકર પ્રસાદ, રાવ ઈન્દ્રજિત સિંહ, ગિરિરાજસિંહ, રાધામોહન સિંહ, એર. કે. સિંહ અને સત્યપાલ મલિક સહિત રાજકીય અગ્રણીઓનો સમાવેશ થાય છે.