લોકસભાની ચૂંટણીની ગતિવિધિ – દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં લોકસભાની કુલ 80 બેઠકો છે. ભારતની રાજનીતિમાં નિર્ણાયક ભૂમિકા ભજવતા યુપીમાં બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ ચૂંટણીની સમજૂતી કરી લીધી છે. બન્ને પક્ષસાથે મળીને લોકસભાની બેઠકો માટે ચૂંટણી લડવાના છે.

0
806

માયાવતી અને અખિલેશ યાદવના પક્ષોની જુગલબંધીએ સ્થાનિક રાજકારણના સમીકરણો બદલાવી દીધા છે. બસપા અને સમાજવાદી પાર્ટી- બન્નેનું યુપીની પ્રજા પર ખાસ્સું વર્ચસ્વ છે. સહુસહુની પોતાની વોટબેન્ક છે. કોંગ્રસ સાથે જોડાણ કરવાનો આ બન્ને પક્ષોએ ઉત્સાહ બતાવ્યો નથી. પરંતુ તાજેતરમાં પ્રિયંકા ગાંધીને કોંગ્રસના મહાસચિવનું પદ અપાયું,  તેમનો કોંગ્રેસના સક્રિય રાજકારણમાં પ્રવેશ થવાથી યુપીના રાજકારણના સમીકરણોમાં પરિવર્તન આવવાની સંભાવના છે. કોંગ્રેસ સાથે ચૂંટણી સમજૂતી કરવા બાબત મોઢું મચકોડતાં બસપા- સપા સાથે પ્રિયંકા ગાંધી કુનેહભરી વાટાઘાટો કરે, ઉપરોક્ત બન્ને પક્ષોને માન્ય હોય તેવી તડજોડ કરવા તૈયારી બતાવીને ચૂંટણી સમજૂતી કરે, તો ભાજપ માટે કપરી પરિસ્થિતિ ઊભી થાય . એકલે હાથે યુપીમાં લડવું અને વિજયી થવું હાલને તબક્કે ભાજપ માટે સંભવ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપ પ્રમુખ અમિત શાહની રેલીઓ અને પ્રચારસભાઓ 2014ની લોકસભાની ચૂંટણી જેવી અસરકારક નીવડવાની નથી. ભાજપ સામે લોકોને અનેક સ્તરે અસંતોષ છે. જીએસટી, નોટબંધી, સર્જિકલ સ્ટ્રાઈક , ખેડૂતોની હાલત, બેકારી, રાફેલનો મુદો્ – આ બધા વિષે જનતાનો અભિગમ કેવો રહેશે એ તો ચૂંટણીના પરિણામ આવ્યે જ જણાશે. પ્રિયંકા ગાંધી સપા- બસપા સાથે ચૂંટણી જોડાણ કરવામાં સફળ થાય તો ભાજપ માટે ઉત્તરપ્રદેશમાં બહુમતી બેઠકો જીતવાનું કામ આસાન નહિ બને. જો પોતાને સન્માનજનક બેઠકો મળે તો કોંગ્રેસ પણ સમજૂતી માટે રાજી થઈ શકે છે. વળી રાહુલ ગાંધીએ  કોંગ્રેસ માટે બધી સંભાવનાઓનો માર્ગ ખુલ્લો રાખ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here