
ચાર ચાર વાર ઈંદોરની બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતનારાં ભાજપના સન્નિષ્ઠ નેતા અને મિલનસાર તેમજ સૌમ્ય સ્વભાવના સુમિત્રા મહાજનને ઈન્દોરની જનતા આદરથી તાઈ કહીને બોલાવે છે. હજી સુધી ભાજપના મોવડીમંડળે ઈન્દોરની બેઠક પરથી ચૂંટણી લડનારા ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. આથી પોતે ચૂંટણી નથી લડવાના એવી જાહેરાત કરતાં સુમિત્રાજીએ કહ્યું હતું કે, પક્ષ દ્વારા હજી સુધી ઉમેદવારના નામની ઘોષણા કેમ કરવામાં આવી નથી. તેમણે આ અંગે લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, હજી આવી અનિર્ણયની સ્થિતિ કેમ પ્રવર્તે છે…હવે હું લોકસભાની બેઠક માટે ચૂંટણી લડવાની નથી, આથી પાર્ટીએ મોકળાશથી ઉમેદવારની પસંદગી કરવી જોઈએ.ઈંદોરની જનતાએ મને જે સ્નેહ અને સાથ- સહકાર આપ્યો છે તે માટે હું તેમની આભારી છું.
સુમિત્રા મહાજન આગામી 12 એપ્રિલે 75 વરસ પૂરં કરીને 76માં વર્ષમાં પ્રવેશ કરશે. ભાજપના અગ્રણીઓ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું કહેવાય છેકે, વ્યક્તિ 75 વર્ષની ઉંમર વટાવે ત્યારબાદ તેણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ. . કદાચ આ જ કારણને લીધે ભાજપ અવઢવમાં છે. પરંત હવે તો સ્થિતિ સ્પષ્ટ છે. આથી વહેલી તકે ઈન્દોરની બેઠકને સત્તાવાર ઉમેદવાર જલ્દીથી જાહેર કરવામાં આવે એવી સંભાવના છે.