લોકડાઉન હટાવવું હાલ શક્ય નથી, વડા પ્રધાન મોદીએ સર્વદળીય બેઠકમાં સૂચન કર્યું

 

નવી દિલ્હીઃ હાલ દેશ કોરોના વાઇરસની મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને આખું તંત્ર કોરોનાને નાથવા માટે સક્રિય છે. ૮ એપ્રિલ, બુધવારે સર્વદળીય બેઠકમાં વડા પ્રધાન મોદીએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે હાલના તબક્કે ૧૪મી એપ્રિલના રોજ લોકડાઉન હટાવવું શક્ય નથી. એટલે કે હવે લોકડાઉનનો સમય વધારવામાં આવે તેની પૂરી શક્યતા છે. આ દરમિયાન મહત્વના સમાચાર સામે આવ્યા હતા કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૧મી એપ્રિલના રોજ સવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે. શક્ય છે કે આ બેઠકમાં તેઓ કોરોના વાઇરસની સ્થિતિ અંગે માહિતી મેળવશે.

૧૧મી એપ્રિલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન વડા પ્રધાન મોદી લોકડાઉન અંગે જે તે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે વાતચીત કરી શકે છે. નોંધનીય છે કે લોકડાઉન વધવાની શક્યતા અંગે બોલતા તેમણે કહ્યું હતું કે, આ મામલે કેન્દ્ર સરકાર તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરીને તેમનો અભિપ્રાય માંગશે. આથી શક્ય છે કે ૧૧મી તારીખે જ લોકડાઉન અંગે કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. 

શક્ય છે કે લોકડાઉનનો સમય વધારવામાં આવી શકે છે. આ ઉપરાંત જે રાજ્ય કે જિલ્લાઓમાં કોરોના વાઇરસ ફેલાયો નથી ત્યાં સાવચેતી સાથે કેટલીક છૂટ આપવા માટે પણ જે તે રાજ્યના મુખ્યમંત્રીને વડા પ્રધાન મોદી સૂચના આપી શકે છે.

દિલ્હી ખાતે વીડિયો કોન્ફરન્સથી સર્વદળીય નેતાઓને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસનો ફેલાવો જે રીતે વધી રહ્યો છે ત્યારે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીએ તો ૧૩મી એપ્રિલના રોજ લોકડાઉન હટાવી દેવું શક્ય નથી. તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ સાથે બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ મામલે વિચાર-વિમર્શ કરશે, પરંતુ લોકડાઉન બહુ ઝડપથી જ ખતમ થઈ જશે તેવું શક્ય લાગી રહ્યું નથી