લોકડાઉન વચ્ચે ૮૦૦ નાગર પરિવારોએ ઓનલાઈન મ્યુઝિકલ હાઉઝી ગેમ માણી

 

ભુજઃ લોકડાઉનના સમયમાં રચનાત્મક કાર્યો કરવા અને તેમની કલા દર્શાવવાનો કોલ ભુજના વડનગરા નાગર મંડળે જારી કર્યો અને દેશ-વિદેશમાંથી તેને જબ્બર પ્રતિસાદ મળતાં અંદાજે ૮૦૦ જણે યુ-ટયુબ પર ઓનલાઈન મ્યુઝિકલ હાઉઝી રમી હતી. જેમાં ભારતના વિવિધ ભાગોમાં રહેતા નાગરજનો ઉપરાંત સિડની, કેનેડા સહિતમાં વસતા લોકો મધરાત્રે અને પરોઢે ઓનલાઈન થયા હતા. ૪૪૦૦ નાગરો ગેમ રમ્યા હતા. 

વડનગરા નાગર મંડળના પ્રમુખ અભિજિત ધોળકિયાના જણાવ્યા પ્રમાણે ૮૦૦થી વધુ લોકોએ ભાગ લેતાં ઐતિહાસિક રીતે સમાજ જોડાઈ ચૂકયો છે. મ્યુઝિકલ હાઉઝીમાં ભાગ લેનારાઓ ઉપરાંત લોકોએ તેમના ઘરે ટીવી, લેપટોપ અને મોબાઈલ ફોનમાં યુ-ટયુબ લાઈવ કરીને ભુજના સ્થાનિક કલાકારોને સાંભળ્યા હતા. દાતાઓના સહયોગથી હાઉઝીની ગેમના વિજેતાઓને અંદાજે ૧૭ હજારનાં ઈનામો જુદી-જુદી કેટેગરીમાં આપવામાં આવ્યા હોવાનું મંડળના આ પ્રોજેક્ટના ચેરમેન ભૌમિક વચ્છરાજાનીએ જણાવ્યું હતું. તો મંડળના ટ્રસ્ટી નિશાંત વોરા સહિતનાએ સોશિયલ મીડિયાના વર્કિંગમાં સહયોગ આપ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત પાંચ વર્ષથી વધુ વયનાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના નાગરો તેમની ગાયન, વાદન, મોનો એક્ટિંગ, નૃત્યની કલા દર્શાવી શકે તેની પણ સ્પર્ધા યોજાઈ હતી. જેનાં પરિણામો આગામી સમયમાં જાહેર થશે એમ મંડળના માનદમંત્રી ભાવિન વોરાએ જણાવ્યું હતું.

જ્ઞાતિના જ કલાકાર અને મ્યુઝિકલ હાઉઝીના માસ્ટર આદિપુરના લય અંતાણી સાથે નાગર મંડળે સંકલન કર્યું હતું. નામાંકિત કલાકારો ભારતેન્દુ માંકડ, ધર્મેન્દ્ર જોશી, કાજલ છાયા, પ્રગતિ મહેતા અને અભિજિત ભટ્ટ દ્વારા વિવિધ ફિલ્મી ગીતો તેમના ઘરમાં રેકોર્ડિંગ કર્યા બાદ યુ-ટયુબમાં પ્રસારિત કરાયા હતા. ટેકનિકલ ટીમમાં હસિત ધોળકિયા અને કલ્પેશ વૈષ્ણવે સહયોગ આપ્યો હતો.