લોકડાઉન ઉઠતા વુહાનથી બહાર જવા હજારો લોકોનો ધસારો

 

વુહાનઃ જ્યાંથી નવો ઘાતક કોરોનાવાઇરસ શરૂ થયો તે ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસથી ચાલી રહેલું લોકડાઉન મંગળવાર રાતથી ઉઠાવી લેવાયું હતું અને લોકોને શહેરની બહાર લઇ જતી ટ્રેનો દોડવા માંડી હતી અને ખાસ કરીને આ શહેરમાં વસતા દેશના અન્ય ભાગોના લોકોએ બહાર જવા માટે ભારે ધસારો કરી મૂક્યો હતો. જો કે આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે મહામારી ફરીથી ફેલાય તેનું જોખમ હજી સમાપ્ત નથી થયું.

પ્રતિબંધ ઉઠી જતા હજારો લોકો માસ્ક પહેરીને શહેરની બહાર જતા દેખાવા લાગ્યા હતા, શહેરમાં ટ્રેનો, ઘરેલુ વિમાન સેવા અને ટેક્સીઓની સેવા ફરીથી શરૂ કરાઈ હતી. આરોગ્ય પ્રમાણપત્ર મેળવ્યું હોય તે લોકોને સરકારે માર્ગો, વિમાનથી અને ટ્રેન મારફતે મુસાફરીની મંજૂરી આપી છે.

મંગળવારની રાત્રે શહેરની બહાર જવા પર લાગેલાં પ્રતિબંધ હટતા જ માર્ગો પર ગાડીઓની લાઈનો લાગી હતી, જ્યારે અન્ય કટેલાંક મુસાફરો ટ્રેન પકડીને વુહાનથી બહાર જવા તૈયાર થયા હતા. ૫૫,૦૦૦થી વધુ મુસાફરો ટ્રેન મારફતે વુહાનથી બહાર જશે જ્યારે બુધવારે આશરે ૨૦૦ જેટલી ફ્લાઈટ શહેરમાંથી ઉડાન ભરશે અને ૨૭૦ જેટલી ટ્રેનો વુહાનથી બહાર જશે. જો કે તમામ મુસાફરોની આરોગ્ય તપાસ કર્યા બાદ જ તેમને રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પ્રવેશ આપવામાં આવશે. ૧૮ માર્ચના રોજ વુહાનમાં કોરોનાનો કોઈ નવો કેસ નોંધાયો ન હતો અને ત્યારથી ત્યાં હકારાત્મક વલણ જળવાયું હતું. પૂર્ણ રીતે પ્રતિબંધ હટાવતા મોટાભાગના વેપાર ઉદ્યોગ ફરી શરૂ થયા છે જેના પગલે બુધવાર બાદ શહેરમાં ૧૮ લાખ વાહનોની અવર જવર શરૂ થશે.

મધ્ય ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાં આ વાઇરસના કેસો મોટા પ્રમાણમાં દેખાવા માંડ્યા બાદ ૨૩ જાન્યુઆરીએ આ શહેરને સખત લોકડાઉન હેઠળ મૂકવામાં આવ્યું હતું અને તેની સરહદો પણ બંધ કરી નાખવામાં આવી હતી અને બહારની દુનિયા સાથે તેનો સંપર્ક લગભગ સંપૂર્ણ કાપી નાખવામાં આવ્યો હતો. આ શહેરમાં કોઇને બહારથી આવવાની કે આ શહેરના લોકોને શહેરની બહાર જવાની પરવાનગી ન હતી. જો કે કોવિડ-૧૯ના કેસો ઓછા થવા માંડતા આ શહેરમાં લોકડાઉન કેટલાક દિવસથી થોડું હળવું કરાયું હતું પરંતુ તેમાં લોકોને શહેરની અંદર જ હરવા ફરવાની મોકળાશ અપાઇ હતી અને બહાર જવાની તેમને પરવાનગી ન હતી. પરંતુ બુધવારે વહેલી સવારે પાંચ વાગ્યે આ શહેરમાંથી રવાના થતી ટ્રેનો દોડવા માંડી હતી અને મોટા ધોરી માર્ગો પણ ખોલવાનું શરૂ કરવામાં આવ્યું હતું. લોકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાતા રસ્તાઓ પર લોકોની ભીડ ફરી દેખાવા માંડી હતી. હજારો લોકોએ શહેર છોડવા ધસારો કરી મૂક્યો હતો. ખાસ કરીને એવા લોકો કે જેઓ ચીનના અન્ય ભાગોમાંથી આવીને આ મહાનગરમાં વસ્યા છે તેમણે પોતાના વતન જવા ધસારો કર્યો હતો. હાઇ-વે પર પણ વાહનોની ભીડ થઇ ગઇ હતી. 

વુહાનમાં પોતાનો ધંધો ચલાવતા શેન્ડોંગ પ્રાંતના વતની એવા ગુઓ લેઇએ જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે હું અહીં ફસાઇ ગયો હતો, હવે વતન પરત જવા માટે વધુ રાહ જોઇ શકું તેમ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે વુહાનના લભગગ પ૦૦૦૦ લોકોને કોરોનાવાઇરસનો ચેપ લાગ્યો હતો અને ૨૫૭૧ જેટલા લોકોનાં મોત આ શહેરમાં આ વાઇરસથી થયા હતા. વુહાન શહેરની વસ્તી લગભગ ૧ કરોડ ૧૦ લાખની છે. આ લોકડાઉન એવા સમયે એવા ઉઠાવાયું છે જ્યારે ચીનના અન્ય વિસ્તારોમાં નવા કેસો વધ્યા છે.