લોકડાઉનના પાલનની સાથે ખુલ્યા કેદારનાથના કપાટ, પીએમ મોદીના નામથી પ્રથમ પૂજા

 

કેદારનાથઃ કેદારનાથના કપાટ બુધવારે ખોલવામાં આવ્યા હતા. કોરોના મહામારી વચ્ચે આ પ્રથમ વખત છે, જ્યારે ભક્તોની હાજરી વગર કપાટ ખુલ્યા છે. બુધવારે સવારે ૬ કલાક ૧૦ મિનિટ પર ભગવાન શ્રી કેદારનાથના કપાટ ૬ મહિના માટે સંપૂર્ણ વિશ્વની સુખ સમૃદ્ધિ અને આરોગ્યતાની કામનાની સાથે ખોલી દેવામાં આવ્યા છે. વિશ્વ અને રાષ્ટ્રના કલ્યાણ માટે ભગવાન કેદારનાથની પ્રથમ પૂજા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામથી સંપન્ન થઈ હતી. લોકડાઉન હોવાને કારણે બુધવારની પૂજામાં મુખ્ય પુજારી સહિત માત્ર ૧૬ લોકો સામેલ થયા હતા. 

સામાન્ય રીતે કપાટ ખોલવાના દિવ્ય ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સાધુ સંત કેદાર ધામ પહોંચે છે. કોરોના મહામારીને કારણે તંત્રએ ભક્તોને મંદિરમાં દર્શન કરવાની મંજૂરી આપી નથી. આ વખતે સીમિત સંખ્યામાં કર્મચારી, પુજારી અને વેદપાઠી જ કેદારધામમાં હાજર રહેશે. મંદિરમાં માત્ર ભોગ, બપોરનો શ્રૃંગાર અને સંધ્યા આરતી થશે. કેદારનાથ મંદિરને ૧૦ ક્વિન્ટલ ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે પણ શ્રદ્ધાળુઓને બાબા કેદારનાથ ધામના કપાટ ખુલવાની શુભેચ્છા આપી છે. તેમણે પોતાના સંદેશમાં કહ્યું, બધા શ્રદ્ધાળુઓને શુભકામનાઓ. તમારો મનોરથ પૂર્ણ થાય, બાબા કેદારનાથના આશીષ બધા પર જળવાઇ રહે, આવી ભગવાન કેદારનાથને કામના કરું છું. કોરોના વાઇરસના આ વૈશ્વિક સંકટમાં આપણે બાબા કેદારનાથની આરાધના ઘરમાં રહીને કરીએ, સોશિયલ ડિસ્ટેન્સિંગનું જરૂર પાલન કરીએ, ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ.