લેખક-કલાકાર જગદીશ ત્રિવેદીના પુસ્તકનું વિમોચન

 

સુરેન્દ્રનગર: સાહિત્ય સાધક, હાસ્ય લેખક અને હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી જીવનનાં પચાસમા વર્ષે મનોરથ કર્યો હતો કે પોતાના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક, વહીવટી ખર્ચ પણ લીધા વિના આરોગ્ય અને શિક્ષણમાં દાન કરે તેનાથી સૌ કોઈ વિદિત છે. આ જગદીશભાઈ ૫૫ વર્ષની જીવન સફરને વર્ણવતું મહેશ પઢારીયા દ્વારા લિખિત પુસ્તક ‘વંદુ એ જગદીશ’ને તેમજ જગદીશ ત્રિવેદીના વાનપ્રસ્થના પાંચમાં વર્ષની સેવાઓ વિગતવાર અહેવાલ આપતું પુસ્તક ‘સેવાનું સરવૈયું -ભાગ-૫’ એમ કુલ બે પુસ્તકોનું લોકાર્પણ પંડિત દીનદયાળ સભાગૃહ, સુરેન્દ્રનગરમાં યોજાયું હતું. 

આ પ્રસંગે જગદીશભાઈને વધાવવા દોઢસોથી વધુ ગુજરાતી ભાષાના કલાકારો, લેખકો, કવિઓ અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહેરી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા, પૂર્વમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, કવિ તુષાર શુક્લ, હાસ્યકલાકાર સાંઈરામ દવે, માયાભાઈ આહીર, સંજય રાવલ, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવ, કવિઓ વિનોદ જોશી, મનોહર ત્રિવેદી, માધવ રામાનુજ, લેખકો  રજનીશકુમાર પંડ્યા, શૈલેષ સગપરિયા, મહેશ યાજ્ઞિક, ડો. બળવંત જાની ઉપરાંત ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેર, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે. સી. સંપટ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યા સહિત અનેક કલાકારો, લેખકો, કવિઓ, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. આશરે એક હજારથી વધુ ભાવકોથી ભરચક હોલમાં ઉપસ્થિત સૌએ જગદીશભાઈને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આર. જે. આકાશે કર્યું હતું. જગદીશભાઈને અભિનંદન અને પરમકૃપાળુને ચરણે પ્રાર્થના કે તેમના સેવેલા સંકલ્પને પરિપૂર્ણ થાય.