લેક કન્ટ્રીમાં હિન્દુ મંદિરમાં વસંત પંચમીની ઉજવણીઃ સરસ્વતી પૂજાનું આયોજન

 

 

 

હિન્દુ મંદિરમાં યોજાયેલી મા સરસ્વતી આરતીમાં ભાગ લેતા ભક્તો.

એડિસન ન્યુ જર્સીઃ લેક કાઉન્ટીમાં આવેલા હિન્દુ મંદિરમાં 21મી જાન્યુઆરી રવિવારે વસંત પંચમી નિમિત્તે મા સરસ્વતીપૂજા કરવામાં આવી હતી. સરસ્વતીપૂજાને ભારતની પરંપરાગત સંસ્કૃતિનો હિસ્સો ગણવામાં આવે છે. આ સમારંભમાં 300 ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિવિધ ભારતીય સમુદાયોના 80 વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા અને પૂજામાં ભાગ લીધો હતો તેમ મંદિરની અખબારી યાદી જણાવે છે.
બાળકોએ ચિત્રપુસ્તિકામાં રંગો પૂર્યા હતા. સંગીતા સિંહ દ્વારા કમલેશ દેસાઈ અને અંબિકા સિંહના સહકારથી ભક્તિમય ગીતો રજૂ કરાયાં હતાં. કેટલાંક બાળકોએ પૂજા બાબતે પોતાના અભિપ્રાયો પણ વ્યક્ત કર્યા હતા. એક બાળકે કહ્યું હતું કે, મારા પિતાએ બાળકો માટેની આ પૂજા વિશે કહ્યું હતું. આથી મારા મિત્રો સાથે મા સરસ્વતીપૂજામાં ભાગ લેવા હું ખૂબ જ ઉત્સાહી હતો. બાળકોને ચિત્રકામ કરવાનાં તમામ સાધનો મંદિર દ્વારા આપવામાં આવ્યા હતા. મંદિરના પૂજારી અનિલ જોશી, યોગેશ પાંડે અને રામચારીએ મા સરસ્વતીપૂજા કરાવી હતી, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ ભાગ લીધો હતો અને પરંપરાગત મંત્રોચ્ચાર કર્યા હતા.
પૂજારીઓએ બાળકો અને ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. શમ્મી ધાલે તમામ ભાગ લેનારાઓને ભેટ આપી હતી અને ભક્તોનો અને સ્વયંસેવકોનો આભાર માન્યો હતો. મહાપ્રસાદ લઈને સૌ વિખેરાયા હતા.