લિવ ઇન રિલેશનશિપ-

0
1429

ગેંગરેપ
આખો દેશ હચમચી ઊઠ્યો હતો. એક સ્વયંભૂ દાવાનળ વડા પ્રધાન, રાષ્ટ્રપતિના નિવાસ્થાન તરફ ધસમસતો આગળ વધી રહ્યો હતો. વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, સ્ત્રીઓ, પુરુષો, લેખકો, લેખિકાઓ, કળાકારો, નોકરિયાતો, વેપારીઓ, શિક્ષકો, સમાજશાસ્ત્રીઓ, શિક્ષણશાસ્ત્રીઓ, ખેલાડીઓ…
બધાની એક જ અને ફક્ત એક જ માગણી હતી, ‘બળાત્કારીને ફાંસી આપો’, ‘ઇનફ ઇઝ ઇનફ…’ આવું ક્યાં સુધી ચલાવીશું?
આ અને આવાં સંખ્યાબંધ સૂત્રો સાથેનાં પ્લેકાર્ડ સાથે છેલ્લા ચાર-પાંચ દિવસથી લોકોનો જુવાળ જુદાં જુદાં શહેરોમાં વિવિધ સ્થળોએ, વિવિધ સરકારી કચેરીઓએ પ્રગટી રહ્યો હતો. પોલીસ અને પ્રજા અને રાજકીય નેતાઓ અને સત્તાધીશો અને મહિલા મંડળો એકબીજાની સામે…

‘રાત્રે સાડા નવે નીકળવાની શી જરૂર હતી?’ અને તેય બોયફ્રેન્ડ સાથે, આટલી મોડી રાતે… બસમાં કોઈ નહોતું તો બેસવાની શી જરૂર હતી? બસમાંથી ઊતરી જતાં શું થતું ?

‘સ્ત્રીઓ જ આ બધા માટે જવાબદાર છે.’
‘આટલાં ટૂંકાં વસ્ત્રો પહેરવાની શી જરૂર છે?’
‘તરત નીકળી જાય તેવાં… છી… છી…’
‘કેટલું બધું એક્સપોઝ થાય છે!’
‘કોઈ ટોકનાર છે કે નહિ?’
‘મા-બાપ શું ધ્યાન રાખે છે?’
‘સ્ત્રી તો નરકની ખાણ છે.’
‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ.’
‘સ્ત્રીઓને તો પૂરી રાખવી જ જોઈએ’
‘તેમને મોબાઇલ જ ન અપાય’
મૂળ વાતથી બળાત્કારની વાત ક્યાંય ફંટાઈ ગઈ હતી.
તો બીજી બાજુ…
‘મેરી સ્કર્ટ સે ઊંચી મેરી આવાઝ હૈ, એમ આઇ જસ્ટ અ બોડી ટુ યુઝ?’ (મારું શરીર ફક્ત વાપરવા માટે જ છે?)
‘નજર તેરી બૂરી ઔર પરદા મૈં કરું?’
‘ડોન્ટ ટેલ અસ હાઉ ટુ ડ્રેસ, ટેલ મેન નોટ ટુ રેપ’ (અમારે શું પહેરવું એ ન કહેશો પુરુષોને કહો કે બળાત્કાર ન કરે), ‘તમારી દીકરીને બહાર નીકળવાની મનાઈ ન કરો, તમારા દીકરાને સ્ત્રીનો આદર કરતાં શીખવો.’
‘માય બોડી, માય રાઇટ’ (મારું શરીર, મારો અધિકાર છે)
‘ડુ નોટ ટચ મી, માય ડ્રેસ ઇઝ નોટ અ યસ’ (મને અડશો નહિ, મારા ડ્રેસથી ‘હા’ ન સમજો)
‘વી વોન્ટ જસ્ટિસ, હેંગ ધ રેપિસ્ટ’ (અમારે ન્યાય જોઈએ, બળાત્કારીને ફાંસી આપો.)
‘માતા તરીકે નહિ, બહેન તરીકે નહિ, હું એક માણસ તરીકે મારો અધિકાર માગું છું.’
આવાં અનેક સૂત્રો સાથે દીકરીઓ, વિદ્યાર્થિનીઓ, મહિલાઓ, જોબ વીમેન પણ નીકળી પડ્યાં હતાં.

ગમે તેમ પણ પ્રજાનો આક્રોશ જબરજસ્ત થતો જતો હતો… ગામેગામ આંદોલનો જોર પકડતાં જતાં હતાં. કોઈ નેતા વગર પ્રજાના વિવિધ વર્ગોનાં સરઘસ, રેલીઓ, આંદોલનો, પ્રદર્શનો અને આવેદનપત્રો અને સરકારી અધિકારીઓની કચેરીઓ તરફ કૂચ… રાત્રે મીણબત્તી સરઘસો, કાળાં કપડાંમાં મૌન સરઘસ…
પ્રજાના આ આક્રોશમાં ઘી નાખ્યું ગૃહ-મંત્રીની કોમેન્ટે… ‘આ બધાં અસામાજિક તત્ત્વો છે. બધાંય કાયદો પોતાના હાથમાં લે છે, નક્સલવાદીઓની જેમ…
અને અધૂરું હતું તે પૂરુ કર્યું પોલીસ કમિશનરની ટીકાએ…
‘સ્ત્રીની મૂક સંમતિ જ હોય છે, અને પછી ફરિયાદ લઈને દોડી જાય છે….’
પ્રજા બરાબર ભડકી. પોલીસો પર હુમલા થયા. મહિલામંડળો, વિદ્યાર્થી યુનિયનો, સિનિયર સિટિઝન ફોરમ્સ વગેરે તૂટી પડ્યાં આવી ટીકાઓ પર.

પોલીસ કમિશનરના ખોળામાં માથું નાખી રડતી રડતી તેમની દીકરી બોલતી હતી. પપ્પા, હું તો ટ્યુશનેથી પાછી આવતી હતી. મારો શો વાંક હતો? મેં તો ટૂંકો ડ્રેસ પણ નહોતો પહેર્યો… મારી મૂક સંમતિ હતી એવું તમને લાગે છે? લાગે છે? બોલોને પપ્પા?

લિવ ઇન રિલેશનશિપ

ત્રણેક વર્ષ પહેલાં જિનલની ઓફિસમાં તેના બોસના એક પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરવા પોતે ગઈ હતી. પોતે એટલે ઉર્વી.
જિનલ સાથે જાણે લવ એટ ફર્સ્ટ સાઇટ.
બન્ને સાથે રહેવા લાગ્યાં. મજાની લાઇફ હતી. ન કોઈ ઝંઝટ, ન પઝેસિવનેસ – માલિકીપણું. ન જવાબદારી, ન ઝઘડા, ન કોઈ પર દોષારોપણ. જ્યારે જેને જે જોઈએ કે કંઈ લાવવાનું હોય તો જોઇન્ટ એકાઉન્ટમાંથી જ લાવવાનું.
રસોઈની લમણાઝીક બહુ જ ઓછી. સવારે લગભગ હેવી બ્રેકફાસ્ટ લઈને નીકળવાનું. સાંજે ફોન પર નક્કી કરી લે. કાં તો હોટલ કાં તો બન્ને સાથે જ ઘેર ડિનર તૈયાર કરી લેતાં.
એકબીજા વિશે કશું પૂછવાનું નહિ, ઊલટતપાસ પણ નહિ.
સાથે રહેવાનું. ફક્ત સાથે રહેવાનું.
મસ્તી, મજા, ખુશી, પ્યાર… કોમ્પ્રોમાઇઝ થયું તો ઠીક, ન થયું તોય ઠીક… પણ હરદમ પ્યાર, પ્યાર ને પ્યાર.

‘જો, મેં તને ક્યારેય કોઈ વાતે ના પાડી છે?’
‘ના,’ ઉર્વી નીચું જોઈને બોલી.
‘તો પછી બાળક વિશે…’
‘પણ આ આપણા બન્નેનું બાળક છે.’
‘તું…’ જિનલ શબ્દો ગોઠવતાં બોલ્યો, ‘એવું ખાતરીપૂર્વક કેવી રીતે કહી શકે?’
‘વોટ ડુ યુ મીન, ખાતરીપૂર્વક એટલે?’ ઉર્વી એકદમ ઊંચા અવાજે બોલી, ‘આપણે બન્ને સાથે રહીએ છીએ, સૂઈએ છીએ અને એકબીજાને પ્યાર કરીએ છીએ અને…’
‘ઓકે’, વચ્ચે જ જિનલ બોલ્યો, ‘પણ મેં તારા બીજા મિત્રો સાથેની તારી લાઇફ વિશે, તારા અંતરંગ સંબંધો વિશે ક્યારેય પૂછ્યું છે? ક્યારેય?’
‘એટલે તું શું કહેવા માગે છે?’ ઉર્વી ગુસ્સાથી ફાટફાટ થતી હતી.
‘ડોન્ટ બી એંગ્રી, ગુસ્સે થવાની જરૂર નથી. આપણા વચ્ચેનું આ અન્ડસ્ટેન્ડિંગ છે. બેબી, આપણે વેસ્ટર્ન લાઇફ જીવી રહ્યાં છીએ…
‘પણ હું કોઈની સાથે…’
‘મને એવી કોઈ ખાતરી આપીશ નહિ. આ તારું બાળક છે. તું જે ઇચ્છે તે કરી શકે છે, મેં તને ક્યાં કોઈ લક્ષ્મણરેખા દોરી આપી હતી? અને મારી સાથે હવે ન ફાવે તો કાલે સવારથી આપણે બન્ને છૂટાં…’
ઉર્વી જિનલને જોઈ રહી. સમજવા મથી રહી, તેની લક્ષ્મણરેખાની વાત અને વેસ્ટર્ન લાઇફની વાત…
‘એવું હોય તો ડીએનએ ટેસ્ટ…’
‘મારે એવું કશુંય કરાવવું નથી’
‘પણ મારી વાત…’
‘શટ અપ, જસ્ટ શટ અપ. યુ બી…ચ…’

હર્ષદ ચોક્સી

લેખક કેળવણીકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here