

રાષ્ટ્રીય જનતાદળના (આરજેડી) અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે તેમની પત્નીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમણે પટનાની સિવિલ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું.તેજપ્રતાપ યાદવે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, તેઓ અૈશ્વર્યાની સાથે સંબંધ તોડવા માગે છે. તેજ પ્રતાપ બિહારના વિધાનસભ્ય છે. તેઓ નીતિશકુમારના પ્રધાનમંડળમાં આરોગ્યપ્રધાન તરીકે કામગીરી બજાવતા હતા. આ વરસે 2018ના મે મહિનામાં જ તેજપ્રતાપ યાદવના લગ્ન ચંદ્રિકા રાયની પુત્રી અૈશ્વર્યા રાય સાથે થયાં હતા. તેમના લગ્નપ્રસંગે બિહારના અગ્રણી રાજકીય નેતાઓ સહિત વિવધ ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી હતી. ભવ્ય રીતે યોજાયેલા તેજપ્રતાપના લગ્નમાં અશ્વો અને હાથીઓની સવારી, આદિવાસીઓ દ્વારા નગારાવાદન સહિત મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નપ્રસંગે આશરે સાતેક હજાર લોકો ઉપસ્થિત રહયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. માનસિક શાંતિ મેળવવાના હેતુથી વૃંદાવનની મુલાકાતે ગયેલા તેજપ્રતાપ યાદવ ત્યાંથી પરત આવ્યા બાદ પટના જઈને છૂટાછેડા માટે અરજી કરી હતી. અરજી કર્યાબાદ તેઓ રાંચીમાં તબીબી સારવાર લઈ રહેલા અને જેલની સજા ભોગવતા પિતા લાલુપ્રસાદ યાદવની મુલાકાત લેવા ગયા હોવાનું સમાચારસૂત્રોએ જણાવ્યું હતું.