લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ

0
1401

ભારતીય કલા અને પુરાતત્ત્વનું આ એક અમૂલ્ય સંગ્રહાલય છે. આ સંગ્રહાલય લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જોડે સંકળાયેલું છે. દુર્લભ અને અનન્ય ભારતીય શિલ્પો માટે આ મ્યુઝિયમ ખાસ મહત્ત્વ ધરાવે છે.
સ્થાપનાઃ આ સંગ્રહાલયનો ઉદય બે વ્યક્તિઓની દષ્ટિ અને શક્તિથી થયો હતો. વિદ્વાન જૈનમુનિ પુણ્યવિજયજી અને અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ કસ્તુરભાઈ લાલભાઈ. મુનિ પુણ્યવિજયજી પશ્ચિમ ભારતના અનેક જ્ઞાનભંડારોમાં સંગ્રહિત પાંડુલિપિઓના સંરક્ષણનું કાર્ય કરતા. એમણે નાના નાના સંગ્રહોની અનેક બહુમૂલ્ય હસ્તપ્રતો જેસલમેર, પાટણ, છાણી, અમદાવાદ, ખંભાત, વડોદરા જેવાં સ્થાનોમાં સુરક્ષિત કરાવી હતી. કસ્તુરભાઈ લાલભાઈ, મુનિના આ કાર્યથી પ્રભાવિત થયા અને મુનિની પ્રેરણાના ફળસ્વરૂપે 1956માં લાલભાઈ દલપતભાઈ સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના થઈ. મુનિએ સંસ્થાને દસ હજાર પાંડુલિપિઓ ભેટ આપી અને સંગ્રહાલયની શરૂઆત કરી અને જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું.
સંગ્રહઃ આ સંગ્રહાલયમાં 75,000 હસ્તપ્રતોનો અમૂલ્ય સંગ્રહ છે. આ ઉપરાંત 4000 જેટલી પ્રાચીન વસ્તુઓ સંગ્રહિત છે. કસ્તુરભાઈએ પોતાનો અમૂલ્ય ટાગોર સંગ્રહ પણ સંસ્થાને ભેટ આપ્યો છે. 1972માં મુંબઈની સુપ્રસિદ્ધ કલાસંગ્રહિકા શ્રીમતી મધુરીબહેન ધીરુભાઈ દેસાઈએ પોતાનો પથ્થરીય શિલ્પનો અમૂલ્ય સંગ્રહ આ સંસ્થાને ભેટ આપ્યો. આ ઉપરાંત પણ બીજા અનેક લોકો અને સંસ્થાઓએ સંગ્રહાલયમાં ઉલ્લેખનીય ફાળો આપ્યો છે.
અહીં સંગ્રહિત તમામ વસ્તુઓને જુદા જુદા વિભાગોમાં આ મુજબ વહેંચવામાં આવેલી છેઃ (1) શ્રીમતી મધુરી દેસાઈ ગેલરી (2) મુનિ પુણ્યવિજયજી ગેલરી (3) પી. ટી. મુનશી સિક્કા સંગ્રહ (4) હરપ્પા સંગ્રહ.
મુંબઈના પ્રતિષ્ઠિત ભૂલાભાઈ દેસાઈનાં પુત્રવધૂ એવાં મધુરી દેસાઈની શિલ્પવીથિકામાં ઈ. સ. પૂર્વે બીજી સદીથી ઈ. સ. 17મી સદી સુધીમાં શિલ્પોનો સમૃદ્ધ સંગ્રહ પ્રદર્શિત છે. તેમાં શૃંગ, મથુરા, ગાંધાર, ગુપ્ત, ઉત્તરકાલીન ગુપ્ત, પાલ, ગંગા, ચોલા જેવી વિવિધ શૈલીઓ અને પશ્ચિમી ભારતનાં પુરાતત્ત્વીય શિલ્પો પ્રદર્શિત છે. આ વીથિકાના મુખ્ય સંગ્રહમાંઃ
સંગ્રહનું સૌથી જૂનું શિલ્પ બીજી સદીના શૃંગ રાજ્યવંશનું છે.
કુષાણકામના ગાંધારશૈલીનાં તથા મથુરાશૈલીનાં શ્રેષ્ઠ શિલ્પો.
ગાંધારનું ચોથી સદીનું બુદ્ધનું પૂરા કદનું મોટું શિલ્પ.
કુરુક્ષેત્રમાં ગીતાબોધ આપી રહેલા કૃષ્ણનું વ્યાખ્યાન મુદ્રામાં ‘વૈકુંઠ વિષ્ણુ’નું શિલ્પ.
કાર્તિકેયની સાતમી સદીની મૂર્તિ.
સૌરાષ્ટ્રના ઘોઘામાંથી મળી આવેલાં કાંસામાંથી બનેલાં અગિયારમી સદીનાં આશરે સવાસો જૈનશિલ્પો.
હારીજમાંથી મળી આવેલું તેરમી સદીનું સિદ્ધરાજ જયસિંહનું શિલ્પ.
પાલનપુરમાંથી મળી આવેલી બારમી સદીની વિષ્ણુની મૂર્તિ.
જૈન દેવી પદ્માવતીની ચોવીસ હાથવાળી મૂર્તિ.
મ્યુઝિયમના બીજા વિભાગ મુનિ પુણ્યવિજયજી વિભાગમાં તેઓનો અંગત સંગ્રહ સચવાયેલો છે, જેમાંઃ
ગુજરાતી, રાજસ્થાની, દખ્ખણી અને મુઘલ ચિત્રો.
માંડુમાં ચિતરાયેલી પંદરમી સદીની કાલકાચાર્યની પોથી.
બારમી સદીમાં ચિતરાયેલું તાડપત્ર.
ગુજરાતના પરંપરાગત અને કલાત્મક કાષ્ઠકામના નમૂનાઓ, જેવા કે કોતરેલાં બારી-બારણાં, છજાં.
પી. ટી. મુનશી સિક્કા વિભાગમાં ઈ. સ. પૂર્વ 600ની પંચમાર્ક મુદ્રાઓ (બેન્તબાર), અકબરની દીન-એ-ઇલાહી મુદ્રાઓ, જહાંગીરના સમયના ચાંદીના બાર રાશિ-સિક્કાઓ અને આદિલશાહના ‘લરિન’ અહીં પ્રદર્શિત છે. આ ઉપરાંત ગાંધાર, ગુપ્ત, મૌર્ય, આહત, ગ્રેકોરોમન, ગુજરાતી સલ્તનત, શક, કુષાણ અને મુઘલ સિક્કાઓ અહીં દર્શિત છે.
સંગ્રહાલયની અન્ય પ્રવૃત્તિઓમાં અવારનવાર વિવિધ કાર્યક્રમો, કાર્યશાળાઓ, વાર્તાલાપો, સ્લાઇડ શો તથા ફિલ્મો યોજવામાં આવે છે. અહીંના ગ્રંથાલયમાં ભારતીય સંસ્કૃતિ અને કલાને લગતાં 45,000થી વધુ પુસ્તકો તથા સંસ્થાનાં પ્રકાશનો પણ ઉપલબ્ધ છે.
સંગ્રહાલયમાં પિક્ચર પોસ્ટકાર્ડ, ફોલ્ડર અને પ્લાસ્ટર કાસ્ટ મોડલનું વેચાણ થાય છે.
સંપર્કઃ ક્યુરેટર, લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ, ગુજરાત યુનિવર્સિટી બસસ્ટેન્ડ પાસે, નવરંગપુરા, અમદાવાદ. ટેલિફોનઃ 079- 2630 6883
સમયઃ સવારે 10ઃ30 થી સાંજે 4ઃ30, સોમવારે બંધ.

લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે.