લાખ્ખો ભક્તોના બદલે ભગવાનના લગ્નમાં જૂજ ભક્તો જોડાયા

 

વડોદરાઃ દેવ દિવાળીના દિવસે વડોદરામાં શહેરમાં છેલ્લાં ૨૮૩ વર્ષથી નિકળતો ભવ્યાતિભવ્ય ભગવાન નરસિંહજીના વરઘોડાને કોરોનાનું વિઘ્ન નડી ગયું. લાખ્ખો જાનૈયાઓ જોડાતા હતા એ ભગવાન નરસિંહજીમાં જૂજ જાનૈયાઓ જ જોડાયા હતા. માંડવી સ્થિત આવેલા નરસિંહજીના મંદીર ખાતે બપોરે બે વાગે બની ઠનીને ફૂલોથી સજાવેલા વાહનમાં ભગવાન ઉઘલીને પરણવા નિકળ્યા હતા. તુલસીવાડી પણ શાસ્ત્રોક્ત વિધી મુજબ ભગવાનના લગ્ન સંપન્ન કરીને ભગવાન સાંજ પાંચ વાગે પરત ફરશે. કોરોનાની ગાઇડ લાઇનનું સંપૂર્ણ પાલન કરીને ફૂલોથી શણગારેલા લકઝયુરીયસ વાહનમાં  બિરાજમાન ભગવાન નરસિંહલાલજી તુલસીવાડી ખાતે લગ્ન કરવા માટે બપોરે બે વાગે નીકળ્યા હતા. સવારથી મંદિરમાં પરંપરા મુજબ ચાંલ્લા વિધી સહિતની વિધી શરૂ થઇ ગઇ હતી. જેમાં પણ ભક્તજનોને કોવિડ-૧૯ની ગાઇડ લાઇન મુજબ દર્શન કરવા માટે  પ્રવેશ આપવામાં આવ્યો હતો. બપોરે ભગવાનના લગ્ન કરાવવા માટે પરિવારના પચાસ જેટલા સભ્યો જ જોડાયા હતા.  

વડોદરાના માંડવી વિસ્તારમાં નરસિંહજીની પોળ સ્થિત ભગવાન શ્રી નરસિંહજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે. મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી નરસિંહજીનો વરઘોડો કારતીકી પુનમ અને દેવ દિવાળીના દિવસે છેલ્લાં ૨૮૩ વર્ષથી ધામધૂમથી નીકળે છે. પરંતુ, આ વખતે કોરોનાની મહામારીના કારણે સરકાર દ્વારા રાત્રે નવ વાગ્યાથી વહેલી સવારે છ વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવતો હોવાથી મંદિર દ્વારા વરઘોડો ન કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, ભગવાનના લગ્ન પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધી સાથે કરવામાં આવ્યા હતા. કોરોનાની મહામારીના કારણે ભગવાન નરસિંહજીના પણ સાદાઇથી લગ્ન કરવામાં આવ્યા હતા.  ભૂતકાળમાં વડોદરામાં કુદરતી કે કૃત્રિમ આપત્તી હોય, કોમી તોફાનો થતા હોય કે આખા શહેરમાં કરફ્યુ લાગ્યો હોય તો પણ ભગવાન નરસિંહજીનો વરઘોડો શાનભેર નીકળતો હતો. પરંતુ, ૨૮૩ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોરોનાની મહામારીના કારણે ભગવાન નરસિંહજીના લગ્નમાં મર્યાદિત સંખ્યામાં ભક્તો જોડાયા હતા.