લાખો ડોલરના રોબોકોલ કૌભાંડમાં વધુ ભારતીયોએ ગુનો કબૂલ્યો

 

વોશિંગ્ટનઃ અમેરિકામાં હજારો લોકો, ખાસ કરીને વયોવૃદ્ધ લોકો સાથે છેતરપિંડી કરીને અને ધાકધમકી વડે નાણા પડાવવાના લાખો ડોલરના રોબોકોલ કૌભાંડમાં બે ભારતીયોને પોતાનો ગુનો કબૂલ્યો છે.

પ્રદિપસિંહ પરમાર (૪૧ વર્ષ) અને સુમેર પટેલ (૩૭ વર્ષ)ને કાવતરાના ગુના બદલ ૨૦ વર્ષની જેલની સજા થઇ શકે છે જ્યારે ઓળખની ચોરીઓના ગુના બદલ પરમારને વધારાની બે વર્ષની સજા થઇ શકે છે એમ અમેરિકાના ન્યાય વિભાગે આજે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું. આ કૌભાંડના લીડર એવા ૩૯ વર્ષીય શેહઝાદખાન પઠાણે આ કેસમાં ૧૫મી જાન્યુઆરીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

આ કૌભાંડની વિગતો એવી છે કે શેહઝાદ પઠાણ ભારતના ગુજરાતના અમદાવાદ શહેરથી એક કોલ સેન્ટર ચલાવતો હતો જેમાંથી અમેરિકામાંના લક્ષ્ય બનાવેલા લોકોને ઓટોમેટેડ રોબોકોલ્સ મોકલવામાં આવતા હતા.

આવા ઓટોમેટેડ કોલ વડે અમેરિકાના લોકોને એફબીઆઇ અને ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશ (ડીઇએ) જેવી એજન્સીઓના અધિકારીઓ તરફથી કોલ હોવાનું જણાવીને તેઓ ગુનેગાર જણાયા હોવાનું જણાવીને નાણા મોકલવાનું કહેવામાં આવતું હતું અને જો નાણા નહીં મોકલે તો કાનૂની અને નાણાકીય પરિણામોની ધમકી આપવામાં આવતી હતી.

આ ઉપરાંત ઘણા લોકોને લોનની ખોટી લાલચ આપીને શરૂઆતના હપ્તાના નાણા વાયર ટ્રાન્સફર વડે મોકલવાનું પણ કહેવાતું હતું. પઠાણ અને તેના મળતિયાઓએ આ રીતે ઘણા લોકો પાસેથી નાણા પડાવ્યા હતા. પ્રદીપસિંહ પરમારે અમેરિકાના અનેક લોકોના કોલ નંબરો, નામ જેવી વિગતો ભેગી કરી હતી અને તેના આધારે આ કોલ્સ કરવામાં આવતા હતા. બે વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું. કેસ ચાલ્યા બાદ દોષિતોને ૧૮ જૂને સજા સંભળાવાઇ શકે છે.