લાખો ચાહકોની મેદની વચ્ચે કરુણાનિધિની અલવિદાઃ તામિલનાડુ શોકમગ્ન

તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દ્રવિડ મુન્નેત્ર કઝગમ (ડીએમકે)ના વડા એમ. કરુણાનિધિની બુધવારે લાખો ચાહકોની મેદની વચ્ચે ચેન્નઈના પ્રખ્યાત મરીના બીચ પર દફનવિધિ કરવામાં આવી હતી. (ફોટોસૌજન્યઃ હિન્દુસ્તાન ટાઇમ્સ) (જમણે) કરુણાનિધિની અંતિમવિધિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમના પુત્ર સ્ટેલીન અને પુત્રી કનીમોઝીને સાંત્વના પાઠવી હતી. 

એમ. કરુણાનિધિની બુધવારે લાખો ચાહકોની મેદની વચ્ચે દફનવિધિ કરવામાં આવી હતી ત્યારે તેમનાં અંતિમ દર્શન માટે ઊમટેલા લોકો રડી પડ્યા હતા. (ફોટોસૌજન્યઃ બીએનએન)

ચેન્નઈઃ તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દ્રવિડ મુન્નેત્ર કઝગમ (ડીએમકે)ના વડા એમ. કરુણાનિધિની બુધવારે લાખો ચાહકોની મેદની વચ્ચે ચેન્નઈના પ્રખ્યાત મરીના બીચ પર દફનવિધિ કરવામાં આવી હતી. મરીના બીચ પર દફનાવવા માટે કોર્ટની સંમતિ લેવી પડી હતી. કરુણાનિધિની અંતિમવિધિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી, કર્ણાટકના મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામી, કેરળ, તેલંગણા, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ અને રાજકારણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સીપીઆઇએમના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી, પ્રકાશ કરાટ, અખિલેશ યાદવ, ઓમર અબદુલ્લા, તેજસ્વી યાદવ, શરદ પવાર વગેરે નેતાઓ પણ કરુણાનિધિની અંતિમવિધિમાં જોડાયા હતા.
કરુણાનિધિના પાર્થિવ દેહને રાષ્ટ્રધ્વજમાં લપેટીને તેમના પુત્ર એમ. કે. સ્ટેલીન અને પરિવારજનો મરીના બીચ પર લાવ્યા હતા અને તમામ વિધિ પછી દફનાવવામાં આવ્યા હતા. તેમના પુત્ર સ્ટેલીન અને પુત્રી કનીમોઝી અંતિમવિધિ વખતે રડી પડ્યાં હતાં. રાષ્ટ્રીય સન્માન સાથે અને લાખો ચાહકોની અશ્રુભીની શ્રદ્ધાંજલિ સાથે કરુણાનિધિની અંતિમવિધિ કરાઈ હતી.
આ અગાઉ 94 વર્ષના કરુણાનિધિ છેલ્લા 11 દિવસથી કાવેરી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. તામિલનાડુના રાજકારણમાં જેમનું જાહેર જીવન સાત દાયકામાં વિસ્તરેલું હતું તે કરુણાનિધિ તેમની પાછળ બે પત્ની અને ડીએમકેના કાર્યકારી પ્રમુખ સ્ટેલીન અને રાજ્યસભાનાં સાંસદ કનીમોઝી સહિત છ પુત્રને છોડી ગયા છે. દ્રવિડિયન ઝુંબેશના સૌથી જૂના અને જાણીતા ચહેરા કરુણાનિધિ તામિલનાડુના પાંચ વાર મુખ્યમંત્રી રહી ચૂકયા હતા. તમામ વડા પ્રધાનોનું શાસન જોનારા તેઓ એકમાત્ર મુખ્યમંત્રી હતી. તેઓ 1957થી તામિલનાડુના વિવિધ મતવિસ્તારોમાં 13 વાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ એક પણ ચૂંટણી હાર્યા નહોતા.
દરમિયાન ચેન્નઈમાં આવેલા મરીના બીચને કરુણાનિધિની સમાધિ માટે પસંદ કરાયો હતો, કારણ કે આ સ્થળ પર દ્રવિડ રાજકારણના ત્રણ મોટા નેતાઓ ડીએમકેના સ્થાપક સી. એન. અન્નાદુરાઇ, એઆઇએડીએમકેના સ્થાપક એમજીઆર અને તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાને પણ અહીં જ દફનાવવામાં આવ્યાં હતાં.
કરુણાનિધિને શ્રદ્ધાંજલિ અર્પતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કરુણાનિધિ ઊંડાં મૂળિયાં ધરાવતા રાજનેતા હતા. તેઓ તમિળોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ હતા. કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાધીએ કહ્યું કે તમિળોના પ્રેમ પર સવાર થઈને કરુણાનિધિએ છ દાયકા તામિલનાડુના રાજકારણમાં રાજ કર્યું.