લાંબો સમય દર્શકો મને યાદ રાખે તેવી ઇચ્છાઃ તાપસી પન્નુ

દક્ષિણ ભારતની ફિલ્મોમાં સફળ થયા પછી બોલીવુડની ખૂબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય થઈ ગયેલી અભિનેત્રી તાપસી પન્નુ દેખાવડી અને શક્તિશાળી અભિનય માટે પ્રશંસાપાત્ર છે. બેબી, પિન્ક, નામ શબાના, જુડવા-ટુ જેવી ફિલ્મોથી બોલીવુડમાં પોતાનું સ્થાન મજબૂત કરતી તાપસી હાલમાં હોકી ખેલાડી સંદીપ સિંહની બાયોપિક સુરમામાં અભિનય કરી રહી છે.
તાપસી કહે છે, મારી ફિલ્મ જોયા પછી દર્શકો મને લાંબા સમય સુધી યાદ રાખે તેવી મારી ઇચ્છા છે. મને ઓન સ્ક્રીન વધારે ટાઇમ મળે કે મારો ટાઇટલ રોલ હોય એ મારા માટે મહત્ત્વનું નથી. હું કોઈ પણ ફિલ્મની પસંદગી સ્ટોરી સાંભળ્યા પછી જ કરું છું. ફિલ્મમાં મારો રોલ મહત્ત્વનો છે કે કેમ અને તે રોલ થકી દર્શકો મને યાદ રાખશે કે કેમ.
પોતાની ફિલ્મોની પસંદગી વિશે તાપસી કહે છે, હું ધ્યાન રાખું છું કે મારી ફિલ્મો અને પાત્રોમાં વિવિધતા આવે. આથી મેં ચશ્મે બદ્દુર, પિન્ક, મુલ્ક, જુડવા-ટુ, સુરમા જેવી વિવિધ સ્ટોરીલાઇન ધરાવતી ફિલ્મો કરી છે.
સુરમા ફિલ્મ વિશે તાપસી કહે છે, આ ફિલ્મની સ્ટોરીનું સંપૂર્ણ ધ્યાન મુખ્ય પાત્ર પર છે. છતાં આ ફિલ્મ પસંદ કરી, કારણ કે મને ખબર છે કે આ ફિલ્મ સફળ થશે. મારું પાત્ર વધુ મજબૂત છે અને મને સારી સ્ક્રીન સ્પેસ મળશે. દર્શકો મને જોયા પછી લાંબા સમય સુધી મને યાદ રાખે તે મારા માટે મહત્ત્વનું છે.
તાપસીને ખબર હતી કે જુડવા-ટુ મનોરંજક ફિલ્મ છે, જેમાં તેના માટે ખાસ કોઈ સ્કોપ નહોતો, પરંતુ વધુ દર્શકો સુધી પહોંચવા માટે આ ફિલ્મ કરી હતી. બોલીવુડમાં સ્થાન જાળવી રાખવા સો કરોડની ક્લબની ફિલ્મનો હિસ્સો બનવું જરૂરી છે, આથી વ્યાપક દર્શકો સુધી પહોંચી શકાય છે. પિન્ક, બેબી, નામ શબાનામાં મારો અભિનય વખણાયો હતો. જુડવા-ટુ જેવી બીજી ફિલ્મોમાં કામ કરવાનું મને ગમશે.
આટલી સફળતા મળ્યા પછી પણ તાપસી વધુ કામ માટે ફોન કોલની રાહ જુએ છે. તાપસી કહે છે, હું દરરોજ નવા કામ માટે ફોન કોલની રાહ જોઉં છું. આથી મારો મોબાઇલ નંબર પણ હું બદલતી નથી. હું બોલીવુડમાં વધુ સોશિયલ અને એક્ટિવ નથી, આથી ફોનની મદદ લેવી પડે છે. હું તો મેસેજની પણ રાહ જોઉં છું. તાપસી સફળ અભિનેત્રી થયા પછી હવે બોલીવુડમાં વધુ ફી માગી રહી છે. તાપસી દક્ષિણની ફિલ્મો જેટલી જ ફી હિન્દી ફિલ્મો માટે માગી રહી છે. તાપસીએ પોતાની અભિનયક્ષમતા સાબિત કરી છે અને તાપસીએ હાલની ફિલ્મમાં ડાન્સની કોરિયોગ્રાફી પર હાથ અજમાવ્યો છે.