લાંબી, કંટાળાજનક, ફિક્કી અને અધૂરી ‘પદ્માવત’

0
1060

દાઉદ ઇબ્રાહિમનો મહેલ જેવો કરાચીનો બંગલો અતિ ભવ્ય છે. દાઉદની ટીકા કરનારાઓ પણ એ મહેલાતની ભવ્યતાનાં વખાણ કરીને એને માન્યતા ન આપી શકે. પોકળ ભવ્યતાનો કોઈ મતલબ નથી. ગાંધીનગર કે નવી દિલ્હીના અક્ષરધામ મંદિરની ભવ્યતા એ ખરી ભવ્યતા કહેવાય જેની સાથે સારી સારી અનેક વાતો જોડાયેલી હોય. દાઉદના બંગલોની ભવ્યતાનાં વખાણ કરનારાઓ જરૂર સંજય લીલા ભણસાલીની નવી રિલીઝ થયેલી ફિલ્મ ‘પદ્માવત’ની ભવ્યતાનાં વખાણ કરતા હશે. શું ભવ્ય સેટ્સ છે, શું ભવ્ય કોસ્ચ્યુમ્સ છે, શું ભવ્ય દાગીના-ઘરેણાં – ઝવેરાત છે, શું ભવ્ય ફોટોગ્રાફી છે.
પણ આને કારણે કંઈ ફિલ્મ સારી બની જતી નથી. તદ્દન કંગાળ સ્ક્રીનપ્લે ધરાવતી આ તથાકથિત મેગા બજેટવાળી ફિલ્મની વાર્તા પાંખી છે જેને ચ્યુઇંગમની જેમ ચાવી ચાવીને લંબાવવામાં આવી છે. દીપિકા પદુકોણ અને શાહિદ કપૂરે અગાઉ કેટલીક ફિલ્મોમાં સારો અભિનય કર્યો છે, પણ અહીં મહાન દિગ્દર્શક સંજય લીલાએ એમની પાસે બિલકુલ એક્સપ્રેશનલેસ, લાકડાના પાટિયા પર જેટલા ભાવ જોવા મળે એટલા ભાવવાળો અભિનય કરાવ્યો છે. રણવીર સિંહ એની અગાઉની કેટલીક ફિલ્મોમાં જે રીતે ઓવર ધ ટોપ એક્ટિંગ કરી ચૂક્યો છે એ જ અભિનયના વાનરવેડા એની પાસે કરાવવામાં આવ્યા છે. ઇનફેક્ટ એની પાસે તો એક વાનર નૃત્ય પણ કરાવવામાં આવ્યું છે – ખાલીપીલી કે ખલીબલી કંઈક એવા શબ્દો છે એમાં!
કેન યુ ઇમેજિન કે મેવાડના રાજપૂત રાજા રતનસિંહ પોતાની નાની રાણી પદ્માવતી સાથે પ્રણયના ફાગ ખેલે છે ત્યારે જે રોમેન્ટિક ગીત ગવાય છે એમાં કુરબાન, ઈમાન અને ઇશ્ક જેવા ડઝનબંધ શબ્દોની ભરમાર હોય અને ગીતની ધૂન કવ્વાલી પર આધારિત હોય! એક રાજપૂત રાજા પોતાની હિન્દુ રાણી સાથે શું કામ કવ્વાલી પર પ્રણય કરે!

ઐતિહાસિક ફિલ્મોમાં સંવાદો તડાફડીવાળા અને ભારેખમ ઉપમાઓભર્યા હોવા જોઈએ એવા વહેમમાં રહીને ‘પદ્માવત’ના ડાયલોગ લખવામાં આવ્યા છે. એક સેમ્પલ જુઓ. ‘ડર નામ કા ગહના પદ્માવતીને કભી પહના હી નહિ’ એવું એક તબક્કે દીપિકા બોલે છે. લો, ડર વળી કયે દહાડે સ્ત્રીનું ઘરેણું થઈ ગયુ! શબ્દોના કોગળા અને વાક્યોનાં વમન કરવાની ટેવ પડી ગયા પછી અનેક ફિલ્મી સંવાદલેખકો, તેમ જ છાપાં-મેગેઝિનોમાં કોલમો ઢસડતા ગુજરાતી લેખકો, -પ્રવચનકારો, ચિંતકો વગેરેઓ ઉત્સાહમાં આવું કરી બેસતા હોય છે.

ફિલ્મ પંદરમી સદીના કોઈ મુસ્લિમે લખેલી કૃતિ પરથી બનાવવામાં આવી છે જેને વાસ્તવિક પ્રસંગો સાથે કોઈ લેવાદેવા નથી એવો દાવો કરીને ડિસ્ક્લેઇમર મૂકવામાં આવ્યો છે. ફિલ્મમાં બ્રાહ્મણ રાજગુરુને દેશદ્રોહી અને રાજપૂતોને આપસમાં લડનારા, રણનીતિની બાબતમાં બેવકૂફ અને મુસલમાન દુશ્મનની પત્નીની ભલમનસાઈને લીધે જાન બચાવીને ભાગી જનારા કાયર તેમ જ છીછરા આદર્શોમાં રહીને જાન ગુમાવનારા ચીતરવામાં આવ્યા છે. મને તો આ સ્ટોરીમાં બિલોરી કાચ લઈને જોયા પછી પણ ક્યાંય રાજપૂતોની આનબાનશાન દેખાઈ નહિ. ભારતના રાજપૂતોની બહાદુરી અને મોતના જોખમે પણ દુશ્મનોનો સામનો કરવાની તત્પરતાનો ઇતિહાસ અહીં વિકૃતિભરી રીતે રજૂ થયો છે. આ બધું સ્પષ્ટપણે નહિ, પણ મોઘમ રીતે, સરેપ્ટિશિયસલી વાર્તામાં ઘુસાડવામાં આવેલું છે. ઐતિહાસિક બનાવો અને ઐતિહાસિક પાત્રોને લઈને કાલ્પનિક વાર્તાઓ બનાવવાનો ટ્રેન્ડ જોખમી છે. સંજય ભણસાલીએ ‘બાજીરાવ મસ્તાની’ વખતે પણ આવી જ બદમાશી કરી હતી. કાં તો તમે પૂરેપૂરું રિસર્ચ કરીને, ઇતિહાસને વફાદાર રહીને, ફિલ્મ બનાવો કાં જાણીતાં ઐતિહાસિક પાત્રોનું નામ વટાવવાની મેન્ટાલિટી ત્યજી દો. કાલ ઊઠીને કોઈ મોહમ્મદ કે ઈસુ કે એમની આસપાસનાં પાત્રોની કથા લઈને નવલકથા બનાવે અને કહે કે આને ઇતિહાસ સાથે કોઈ લેવાદેવા નથી, આ તો એક સાહિત્યિક કૃતિ છે તો ચેડાં કરેલા પ્રસંગો પરથી ફિલ્મ બનાવનારાઓની કેવી હાલત કરવામાં આવે એની તમે કલ્પના કરી શકો છો. મોહમ્મદ પયગંબર વિશે એલફેલ કાર્ટૂનો બનાવનારાની હત્યા કરવામાં આવી છે. સલમાન રશ્દીએ ‘સેતાનિક વર્સીસ’ નવલકથામાં બે આડીઅવળી વાત લખી તો ખોમૈનીએ લાખો રૂપિયાના ઇનામ સાથે એની હત્યા કરવાનો ફતવો જાહેર કર્યો હતો.

સંજયે જ નહિ, એમના જેવા બીજા અનેક હિન્દી ફિલ્મકારોએ સમજી જવું પડશે કે ભારતનાં ઐતિહાસિક પાત્રો સાથે કોઈ પણ બહાનું કાઢીને ચેડાં કરી શકાશે નહિ. એમ. એફ. હુસૈન નામના એક ચિત્રકારે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે હિન્દુ દેવીદેવતાઓની પવિત્રતાને અભડાવતાં ચિત્રો દોર્યાં ત્યારે અનેક લિબરલવાદી કટ્ટર લેખકો હુસૈનની પગચંપી કરવા દોડી ગયેલા. આમાંના કોઈએ હુસૈનને પૂછ્યું નહોતું કે ડોસા, તેં તારા મોહમ્મદ પયગંબર અને એની માતા-પત્ની વગેરે માટે આવાં નાગાં ચિત્રો કેમ દોર્યાં નહિ. કોઈએ તે વખતે એવું નહોતું કહ્યું કે હુસૈનની જેમ હિન્દુ ચિત્રકારો જ્યારે વિધર્મીઓના આરાધ્ય દેવો વિશે આવાં નાગાં ચિત્રો દોરશે ત્યારે દેશની કેવી હાલત થશે.

‘પદ્માવત’ના વિરોધમાં થયેલી ભાંગફોડનો અનેક બૌદ્ધિકોએ વિરોધ કર્યો છે. વાજબી રીતે કર્યો છે. કરવો જ જોઈએ આવી હિંસાનો વિરોધ. બટ મે આય આસ્ક વન ક્વેશ્ચન હિયર ‘પરદેશમાં છપાતાં કાર્ટૂનોનો વિરોધ કરવા માટે મુસ્લિમો જ્યારે મેરઠમાં અને દેશમાં અન્ય સ્થળોએ હિંસક વિરોધ કરતા હતા ત્યારે આ સેક્યુલરોની બટકબોલી જુબાન કેમ બંધ હતી. તે વખતે પણ સરકારી બસોને નુકસાન થયું હતું, નિર્દોષ નાગરિકોનાં ટુ-વ્હીલર સળગાવાયાં હતાં અને ડિટ્ટો અત્યારનાં જેવાં જ તોફાનો થયાં હતાં, નુકસાન તો કદાચ અત્યારના કરતાંય વધારે થયું હતું, પણ એ વિરોધની ટીકા નહિ કરીને, ચૂપ રહીને, ઇન્ડાયરેક્ટલી સેક્યુલરોએ સમર્થન આપ્યું હતું આવાં બેવડાં સ્ટાન્ડર્ડ્સ હવે લોકોએ, મિડિયાએ, સૌકોઈએ છોડવાં પડશે.
‘પદ્માવત’ના ઓરિજિનલ ટાઇટલમાં ‘ત’ની પાછળ દીર્ઘ ઈ હતી જે સેન્સરે શું કઢાવી તે પ્રશ્ન છે. પેલા, પંદરમી સદીના કોઈ મુસ્લિમે લખેલી વાર્તા – કવિતાનું ટાઇટલ ‘પદ્માવત’ છે એ બરાબર, પણ તો પછી ઓરિજિનલ ટાઇટલ કેમ ‘પદ્માવતી’ હતું. સેન્સરે ફિલ્મમાં તો ક્યાંય પદ્માવતીનું પદ્માવત કરાવ્યું નથી. પણ પ્રસૂન જોશીના વડપણ હેઠળની ટીમે આ ફિલ્મમાં અનેક જગ્યાએ કાપાકૂપી કરીને ફિલ્મને ઉંદરે કાતરી નાખેલી ગોદડી જેવી બનાવી દીધી તે સારું કર્યું છે. ફિલ્મ અસંબદ્ધ લાગે છે, અધૂરી લાગે છે. પદ્માવતી જોહર કહે છે તે છેલ્લો આખો સીન જ અધૂરો છોડીને બ્લેકઆઉટ દીપિકાના અવાજમાં જણાવી દેવામાં આવે છે કે પદ્માવતીએ સતી થઈને મેવાડની પ્રજાને ભ્રષ્ટ થતાં બચાવી લીધી વગેેરે વગેરે વગેરે અને ધી એન્ડ!
આ ફિલ્મે પહેલા દિવસે અમુક કરોડનો વકરો કર્યો, બીજા દિવસે આટલા અને ત્રીજા દિવસે આટલા બધા કરોડ કમાવી આપ્યા એના આંકડા પેઇડ મિડિયામાં ફરે છે. હન્ડ્રેડ ક્રોર ક્લબવાળી આખી કન્સેપ્ટ બોગસ છે અને આ બધા આંકડા જુઠ્ઠા કે ભારોભાર અતિશયોક્તિભર્યા હોય છે એવું કોઈ પણ જાણકારને પૂછશો તો કહેશે.

અગાઉ ટ્રેડ મેગેઝિનો ચલાવતા કેટલાક ફિલ્મી વચેટિયાઓ કે દલાલો આવા આંકડાઓનો પૈસા લઈને પ્રચાર કરતા હોય છે. અને આમેય કોઈ ફિલ્મ ખૂબ કમાણી કરે એટલે સારી ફિલ્મ બની જાય એવું કોણે કહ્યું. તમારી બાજુમાં રહેતો શાળાનો શિક્ષક મહિને પચીસ હજારનો પગાર મેળવતો હોય અને મારી પડોશમાં રહેતો દાઉદ ઇબ્રાહિમ વતી સુપારી લઈને કામ કરનારો શૂટર મહિને પચીસ લાખ કમાતો હોય તો બેમાંથી સમાજ માટે ઉપયોગી કોણ અને સમાજનું દૂષણ કોણ? ફિલ્મનું ચારિત્ર્ય જોઈને નક્કી કરવાનું કે એ ફિલ્મ સારી કે ખરાબ. ફિલ્મની કમાણી જોઈને નહિ. ગોવર્ધનરામ ત્રિપાઠીની મહાન નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ સાથે ભયંકર મોટી છેડછાડો કરીને ટીવી સિરિયલ બનાવનાર ગુજરાતી સંજયભાઈને વિનંતી કે હવે આ માર્ગ પડતો મૂકો અને ફરી પાછી ‘ખામોશી’, ‘હમ દિલ દે ચૂકે સનમ’ કે ‘બ્લેક’ જેવી સુંદર ફિલ્મો બનાવવાનું શરૂ કરો.

લેખક સાહિત્યકાર અને વરિષ્ઠ પત્રકાર છે.