લશ્કરની ત્રણેય પાંખે કોરોના વોરિયર્સનું પુષ્પવર્ષા, બેન્ડ સાથે સન્માન કર્યું

 

ગાંધીનગરઃ અમદાવાદ બાદ એરફોર્સના પ્ત્ ૧૭ હેલિકોપ્ટર ગાંધીનગર પહોંચ્યા હતા. અમદાવાદ બાદ ગાંધીનગરના આકાશમાં હેલિકોપ્ટર મુવમેન્ટ શરૂ થઈ હતી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે એરફોર્સ બેન્ડ પહોંચ્યું હતુ. હોસ્પિટલના કેમ્પસમાં ધૂન વગાડીને કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પુષ્પવર્ષા કરાઈ હતી. કોરોના સામેની જંગ લડી રહેલા તબીબી કર્મચારીઓ અને નર્સનો આભાર માનીએ તેટલો ઓછો છે. આવા સમયે ભારતીય વાયુસેનાએ સમગ્ર રાષ્ટ્ર વતી સૌ કોરોના વોરિયર્સનો વિશિષ્ટ આભાર માનીને તેઓનું મનોબળ વધાર્યું છે.

અમદાવાદની હોસ્પિટલની જેમ જ ગાંધીનગરની હોસ્પિટલમાં સારે જહાં સે અચ્છા…. ધૂન વગાડી ફ્રન્ટ વોરિયર્સ તરીકે કામ કરતા નર્સ, ડોક્ટર્સ, પોલીસ કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. 

વડોદરામાં કોરોના વોરિયર્સનું સન્માન કરાયું. સયાજી હોસ્પિટલમાં તબીબોનું સન્માન કરાયું હતું. આર્મીના જવાનોએ આર્મી બેન્ડ વગાડી કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતું. કોરોનાના દર્દીઓ માટે બનાવેલ આઇસોલેશન વોર્ડ બહાર બેન્ડ વગાડવામાં આવ્યું હતું. વડોદરા પાલિકાના આરોગ્ય અધિકારી પણ હાજર રહ્યા હતા. ઇન્ડિયન આર્મીએ સેલ્યુટ કોરોના વોરિયર્સના બેનર લગાવીને કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધાર્યો હતો. 

ભુજમાં લશ્કરી અધિકારીઓ દ્વારા કોવિડ-૧૯ મહામારીના સંક્રમણને અટકાવવા આગળની હરોળમાં દિવસ રાત જોયા વગર ઝઝૂમી રહેલા કોરોના યોદ્ધાઓનું ૧લી મેએ દેશની સશસ્ત્ર સેના દ્વારા સન્માન કરાયું હતું. ભારતીય હવાઈદળ દ્વારા વિવિધ શહેરોમાં પુષ્પવર્ષા કરીને આ યોદ્ધાઓને બિરદાવવામાં આવ્યા હતા. ભુજમાં પણ ભુજ મિલિટરી સ્ટેશન દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. ભુજ મિલિટરી સ્ટેશનના સ્ટાફ ઓફિસર લેફ. કર્નલ સુનીલકુમાર અને આર્મી મેડિકલ કોર્પ્સના મેજર સંદીપ દ્વારા જી. કે. જનરલ હોસ્પિટલસ્થિત હોસ્પિટલનાં તમામ ડોકટર્સ, પેરામેડિકલ સ્ટાફ સહિતનાં કર્મચારીઓને તેમની આ એક યોદ્ધા તરીકેની કામગીરી બિરદાવાઈ હતી. આર્મીના અધિકારીઓ દ્વારા કર્મવીર યોદ્ધાઓનું મનોબળ જળવાઇ રહે તે માટે મીઠાઇની પણ વહેંચણી કરવામાં આવી હતી. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ સહિત જી. કે. જનરલ હોસ્પિટલની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.’ પોલીસસેવાને પણ આ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી. સરહદ રેન્જના આઇ.જી. સુભાષ ત્રિવેદીની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સોનું સન્માન કરતા લેફ.કર્નલશ્રી સનલકુમારે જણાવ્યું હતું કે, દેશની ૧૫૦ કરોડની આબાદીને કોરોના સંક્રમણથી બચાવવા માટે પોલીસ તંત્ર ખૂબજ નિષ્ઠાથી કામ કરી રહ્યું છે. 

આ ઉપરાંત પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભ તોલંબિયાની મુલાકાત લઇને પોલીસનાં જવાનોની કામગીરીની સરાહના કરાઈ હતી. જિલ્લા વહીવટી તંત્રના પડદા પાછળનાં કર્મવીર યોદ્ધાઓનું પણ ભારતીય સેના દ્વારા આ તબકકે સન્માન કરવામાં આવ્યું હતું. લેફ. કર્નલ સુનીલકુમારે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ને મળીને વહીવટી તંત્રની કામગીરી બિરદાવી હતી. આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર કુલદીપસિંહ ઝાલા, ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણી અને ડિઝાસ્ટર શાખાના મામલતદાર પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.