ટીસિરીઝ દ્વારા રજૂ થયેલી ડિરેક્ટર વિશાલ પંડ્યાની નવી ફિલ્મ ‘હેટ સ્ટોરી-4’ ઇરોટિક થ્રિલર ડ્રામા ફિલ્મ છે, જેમાં લવ, ડ્રામા, થ્રિલર અને સસ્પેન્સનો સમન્વય છે. આ ફિલ્મ ‘હેટ સ્ટોરી’ સિરીઝની ચોથી ફિલ્મ છે.
આ લવ સ્ટોરી નથી, આ હેટ સ્ટોરી છે. નવમી માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મમાં ઉર્વશી રાઉતેલા, કરણ વાહી, ઇહાના અને વિવાન અગ્રણી ભૂમિકામાં છે. ફિલ્મમાં ગુલશન ગ્રોવર પણ છે. આ ફિલ્મમાં 2005નું લોકપ્રિય ગીત ‘આશિક બનાયા આપને’ પણ જોવા મળે છે.
ફિલ્મની વાર્તા મુજબ, તાશા (ઉર્વશી રાઉતેલા) ટોચની અભિનેત્રી બનવા આતુર છે. તેની મુલાકાત એક ફેશન ફોટોગ્રાફર રાજવીર ખુરાના (કરણ વાહી) સાથે થાય છે, ફોટોગ્રાફર પણ તાશાને પ્રેમ કરે છે. આ ફેશન ફોટોગ્રાફરનો ભાઈ આર્યન ખુરાના (વિવાન) ધનિક વ્યક્તિ હોય છે. આર્યનની ગર્લફ્રેન્ડ માયા (ઇહાના) છે. ગર્લફ્રેન્ડ હોવા છતાં આર્યન તાશાના પ્રેમમાં પડે છે.
એક પાર્ટીમાં આર્યન તાશાને ઊંઘની ગોળી આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધે છે. ભાનમાં આવતાં જ તાશા આર્યનને કહે છે તેના ભાઈને આ વાતની જાણ થશે તો શું થશે.
દરમિયાન રાજવીરને આ વાતની જાણ થઈ જાય છે. વાર્તામાં ટ્વિસ્ટ આવે છે, જ્યારે એ વાત બહાર આવે છે કે તાશાનો આ આખો પ્લાન હતો. શા માટે તાશા આમ કરે છે તે માટે આ ફિલ્મ જોવી જોઈએ.
ફિલ્મને ‘એ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ફિલ્મમાં રોમાંચ, સેક્સ અને બદલાની ભાવના જોવા મળે છે. આ ફિલ્મનું પ્રોડક્શન ભૂષણ કુમારે કર્યું છે. ફિલ્મમાં સંગીત તનિષ્ક બાગચી, મિથુન, આર્કો પ્રવો મુખરજી, નેહા કક્કરનું છે.
ઓછી ફિલ્મોમાં કામ કરતી ઉર્વશીએ આ ફિલ્મમાં શાનદાર અભિનય આપ્યો છે. ઉર્વશી રાઉતેલાના ચાહકોએ આ ફિલ્મ અચૂક જોવી જોઈએ.