લવ અફેર નિંદનીય નથી

0
1002

 

બનારસ હિન્દુ યુનિવર્સિટીના કુલપતિ ઇકબાલ નારાયણની ચેમ્બરમાં તોફાની વિદ્યાર્થીઓએ માગણી મૂકી અને કહ્યુંઃ ‘સાહેબ! આપકે પાસ હમને કોઈ બડી બાત નહિ માગી. હમ સિર્ફ ઇતના હી કહતે હૈં કી પરીક્ષા મેં કોપી કરનેકી છૂટ દે દો. આપ ઇતના ભી નહિ કર સકતે?’ અમારી યુજીસી કમિટીમાં વિજ્ઞાની ડો. જોશી હતા. સવારે ચા-નાસ્તાના ટેબલ પર મળ્યા તે પહેલાં ગંગાસ્નાન કરીને તેઓ સંકટમોચન હનુમાનજીનાં દર્શન કરી આવ્યા હતા. બીજા હતા અંગ્રેજીના પ્રોફેસર ડો. સહાની, જેઓ હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીમાં હતા. તેમના પિતાની આખરી ઇચ્છા કાશીમાં જઈને મૃત્યુ પામવાની હતી.

સમય ચોરીને મોડી સાંજે મણિકર્ણિકા ઘાટ પર જઈને પગથિયે બેઠો. ત્યાં ચોવીસે કલાક અનેક ચિતાઓ સળગતી રહે છે. ગંગાના પ્રવાહમાં સદીઓ વહેતી રહે છે. આંખો બંધ હતી. વહેતાં જળ પર પથરાયેલા અંધારામાં એકાએક ડમરુનો ધ્વનિ સંભળાયો. એકાદ મિનિટ થઈ હશે અને એ અવાજ અટકી ગયો. આંખ ખોલી તો જોયું કે એક અભણ જણાતો માણસ ઠરી ગયેલી ચિતાના દેવતા પર ડમરુના ચામડાને તપાવી રહ્યો હતો. ત્રણચાર મિનિટ વીતી ત્યાં એ ફરી પાછો ડમરુ પર તાલ આપતો રહીને અંધારામાં ચાલી ગયો! મૃત્યુ મરી ગયું રે લોલ!

સાહિત્યકારોમાં અંદર અંદર અટવાતી ઈર્ષ્યા ઓછી નથી હોતી. કદાચ બધાં જ સર્જનક્ષેત્રો માટે આ વાત સાચી જણાય છે. ઈર્ષ્યા અને દ્વેષ વધી પડે ત્યારે શાંતિ મળે તેવી રાહત ઇન્દોરીની પંક્તિઓ કાશીમાં સાંભળવા મળી એ ગુનગુનાવવાથી આપણને સતત પજવતી ઈર્ષ્યાગીરી શાંત પડે એ શક્ય છે. સાંભળોઃ

દોસ્તી જબ કિસીસે ભી કી જાય, દુશ્મનો કી ભી રાય લી જાય. બોતલે ખોલકર તો બરસોં પી લી, અબ દિલ ખોલ કર ભી પી જાય!

લવ અફેર નિંદનીય નથી

સીતાના હરણ માટે રાવણે સાધુવેશ ધારણ કર્યો ત્યારથી દેશના પતનની ખરી શરૂઆત થઈ. પોતાના અસલ સ્વરૂપે સીતા પાસે જઈને રાવણ કહી શક્યો હોતઃ ‘સીતા, આઇ લવ યુ.’ જો સીતા માની ગઈ હોત તો સીતાનું હરણ અપહરણ ન ગણાત. કૃષ્ણે રુક્મિણીનું હરણ કર્યું હતું. રુક્મિણી કૃષ્ણ સાથે ભાગી જવા આતુર હતી તેથી એને અપહરણ ગણવામાં નથી આવ્યું. માનવ-ઇતિહાસમાં લખાયેલો પ્રથમ પ્રેમપત્ર રુક્મિણીએ કૃષ્ણને પહોંચાડ્યો હતો. સીતાએ મરજી ન બતાવી ત્યારે પંચવટીની પર્ણકુટિ છોડીને જતી વખતે ઉદાસ ચહેરે રાવણ કહી શક્યો હોતઃ ‘સીતા, મને જીવનભર તારી પ્રતીક્ષા રહેશે.’ લવ અફેરમાં દાબદબાણ કે બલપ્રયોગ ન હોઈ શકે. લવ અફેર પૃથ્વી પર ઊગેલી પવિત્ર ઘટના છે. એની નિંદા ન હોય. પ્રેમક્ષેત્રમાં પ્રિયજનની પ્રતીક્ષા ન કરવી એ જ ખરી રાવણતા!

પૃથ્વીરાજ ચૌહાણે લગ્નમંડપમાં ત્રાટકીને સંયુક્તાનું હરણ કરેલું. સંયુક્તા પૃથ્વીરાજ માટે ટાંપીને બેઠી હતી. સદીઓ પહેલાં સ્ત્રીની મરજીથી સ્ત્રીનું હરણ કરવામાં આવે તે ઘટના પૌરુષ અને પરાક્રમનો સંકેત ગણાતી હતી. સંયુક્તાને પૃથ્વીરાજની પ્રતીક્ષા હતી. પ્રતીક્ષાયુક્ત પ્રેમ અતિ પવિત્ર છે. મરજીયુક્ત યૌનસંબંધ અને પરસ્પરતાથી ભીના બનેલા પ્રેમસંબંધની નિંદા કરનાર સમાજ ગંદવાડ અને મંદવાડનો ખાળકૂવો ગણાય. વ્યભિચારની વકીલાત કદી પણ ન હોય. લફરાંબાજીનાં રંગરોગાન ન થવાં જોઈએ. પ્રેમતત્ત્વ સદંતર ગેરહાજર હોય એવો યૌનસંબંધ વ્યભિચાર ગણાય. એવો સંબંધ પતિ-પત્ની વચ્ચે હોય તોય વ્યભિચાર ગણાય.

જે મનુષ્યને જીવનમાં એક પણ વાર પ્રગાઢ જાતીય આકર્ષણની અનુભૂતિ નથી થઈ અને પ્રેમમાં મગ્ન હોવાની પ્રતીતિ થઈ તેનું જીવ્યું બેકાર છે. પ્રબળતમ જાતીય આકર્ષણ તો પ્રકૃતિની વિરાટ સંરચનાનું મધુર ગુંજન છે. આવું આકર્ષણ ધરાવતા બે ‘મળેલા જીવ’ જ્યાં ગુફતગૂ કરતા હોય ત્યાં પવિત્ર પ્રેમમંદિર રચાઈ જતું હોય છે. આવું સહજ આકર્ષણ જે આદમીને ન હોય તે ક્યાં તો જીવનમુક્ત પરમહંસ હોય કે પછી નપુંસક હોય. સહજ આકર્ષણ અશ્લીલ નથી, પરંતુ બ્રહ્મચર્યનો દંભયુક્ત દાવો અશ્લીલ છે. ભારતમાં આવી અશ્લીલતાનું પ્રમાણ બિહામણું છે. વિશ્વનો કોઈ દેશ એટલો દંભી નથી. ભારત ખેતીપ્રધાન કે ઉદ્યોગપ્રધાન દેશ છે તેની ચર્ચા થઈ શકે, પરંતુ ભારત દંભપ્રધાન દેશ છે એ વિધાન વિવાદથી પર છે. કૃષ્ણે ગીતામાં દંભને આસુરી સંપત્તિના પ્રથમ લક્ષણ તરીકે વખોડ્યો છે.

પ્રીતીશ નન્દીને કોઈએ પૂછેલુંઃ ‘તમારી અને રાખી વચ્ચે અફેર છે?’ પ્રીતીશનો જવાબ યાદગાર હતોઃ ‘શું તમે એને અફેર કહો છો? અમારી વચ્ચે ડીપ રિલેશનશિપ છે.’ પ્રેમસંબંધ અને લફરાંબાજી વચ્ચેનો તફાવત ઉદ્યાન અને ઉકરડા વચ્ચેના તફાવત જેટલો સ્પષ્ટ છે. કોઈ પણ પ્રેમસંબંધની કૂથલી કરવી કે એમાં રોડાં નાખવાં એ તો બ્રહ્મહત્યા ગણાય. કવિ ન્હાનાલાલે લખ્યુંઃ ‘પરમ પ્રેમ પરબ્રહ્મ.’ લેખિકા કમલા દાસે એક મુલાકાતમાં કહેલુંઃ ‘હું પ્રેમમાં પડી કારણ કે મારે સાબિત કરવું હતું કે હું માનવી છું.’ કેથેરિન ફ્રેન્કના પુસ્તકમાં ઇન્દિરા ગાંધીની અંગત સેક્સલાઇફ પ્રગટ થઈ છે. એની વિગતો વાંચ્યા પછી ઇન્દિરાજી પ્રત્યેના મારા આદરમાં એક મિલીગ્રામનો ઘટાડો થયો નથી. એમણે કટોકટી લાદી તે ગુનો અક્ષમ્ય હતો. કેથેરિનનું પુસ્તક એટલું જ સાબિત કરે છે કે ઇન્દિરાજી નોર્મલ મનુષ્ય હતાં. પંડિત નેહરુ માટે મથાઈએ એવું જ નિંદાયુક્ત પુસ્તક લખ્યું હતું. એ વાંચ્યા પછી મને સમજાયું કે રવીન્દ્રનાથ ટાગોરે પંડિતજીને ‘ઋતુરાજ’ કેમ કહ્યા હતા. વિશ્વાસઘાત કરનાર મથાઈનો ગુનો અક્ષમ્ય ગણાય. ઉમા ભારતીએ વર્ષો પહેલાં ‘વીક’ સામયિકને મુલાકાત આપી ત્યારે ગોવિંદાચાર્ય પ્રત્યેના પ્રગાઢ આકર્ષણનો એકરાર કર્યો હતો. એ ઇન્ટરવ્યુ જ્યારે પ્રગટ થયો ત્યારે ઉમા ભારતીએ ફેરવી તોળ્યું અને સામયિકની ઓફિસે ધરણાં કરવાં પહોંચી ગયાં! આવું કેમ બન્યું? ભારતમાં કોઈ સાધ્વીને પ્રણયસંબંધની છૂટ નથી. સાધ્વી ઉમા ભારતી ગૌરવપૂર્વક પોતાના પ્રેમસંબંધની વાત નિખાલસપણે કરી શકે એવી ઋતુ આપણા સમાજમાં નથી. આવી તો કેટલીયે સાધ્વીઓ કે નન્સ આશ્રમોમાં, ડોર્મિટરીઓમાં અને અપાસરાઓમાં પોતાનાં કુંવારાં અરમાનોનું અગ્નિસ્નાન રાતના અંધારિયા એકાંતમાં કરતી રહે છે. શું કોઈ સંતને પોતીકો પ્રેમસંબંધ ન હોઈ શકે? શું કોઈ સંનિષ્ઠ ગાંધીજનને ખાનગી પ્રેમસંબંધ ન હોઈ શકે? સંત, ફકીર કે ઓલિયાનો અંગત પ્રેમસંબંધ પણ ટીકાપાત્ર નથી. એકવીસમી સદીનું અધ્યાત્મ એટલે જ પ્રેમનું અધ્યાત્મ. આતંકવાદ સામે ટકી શકે એવી એકમાત્ર બાબત પ્રેમ છે. એવો પ્રેમ ચોવીસ કેરેટનો ન હોય અને ચૌદ કેરેટનો હોય તોય પવિત્ર છે. કૃષ્ણથી માંડીને જે. કૃષ્ણમૂર્તિ સુધીના મહાનુભાવોને અંગત પ્રેમસંબંધો હતા. નવો માનવી નવું અધ્યાત્મ ઝંખે છે. એ છે પ્રેમથી લથપથ એવું ભીનું અધ્યાત્મ. એમાં દોષ હોઈ શકે છે. થોડોક પ્રદૂષિત પ્રેમ પણ દ્વેષ, ઈર્ષ્યા, નિંદાકૂથલી અને દંભ કરતાં ચડિયાતી બાબત છે. જે સમાજ પ્રેમને ગુનો ગણે, એ સમાજે ગુનાને પ્રેમ કરવો પડે છે.