લડાખ-પૂર્વના ભારતીય વિસ્તારમાં ચીનની ઘુસણખોરીઃલડાખમાં એલઓસીની આસપાસના વિસ્તારમાં ચીનના સૈનિકોનો કાફલો .. 

 

       પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં પૂર્વ- લડાખમાં એલઓસીની આસપાસના વિસ્તારમાં ચીન- ભારતના સૈનિકો વચ્ચે તંગદિલી પ્રવર્તી રહી છે.  ચીને ભારતીય વિસ્તારમાં 10 કિમી. અંદર ઘુસણખોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુરન્ત હાઈલેવલ મિટિંગ યોજી હતી. જેમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોભાલ , ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવત અને ભારતીય સેનાની ત્રણે પાંખોના વડાઓએ ભાગ લીધો હતો. આ બેઠક આશરે એક કલાક સુધી ચાલી હતી. ચીન ભારતની સીમા પર વારંવાર તણાવ ઊભો કરી રહ્યું છે. અગાઉ ડોકલામ વિસ્તારમાં પણ ચીને આવી હરકત કરી હતી. પૂર્વ- લડાખના ભારતીય વિસ્તારમાં એલઓસીની આસપાસ બન્ને દેશોના સૈનિકો આમને- સામને છે. ચીની સૈનિકોએ ભારતના વિસ્તારમાં 10 કિમી. ધુસીને પોતાના તંબૂઓ બાંધ્યા હતા. આ પરિસ્થિતિની ગંભીરતાને અનુલક્ષીને વડાપ્રધાન દ્વારા ખાસ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ભારતના લડાખ વિસ્તારમાં ભારતીય સૈન્ય દ્વારા સડકના નિર્માણનું કામ ચાલુ રહેશે અને 2- એલઓસીની આસપાસ ચીન જેટલી સંખ્યામાં ચીની સૈનિકોને કાફલે તૈનાત કરશે એટલી જ સંખ્યામાં ભારતીય સૈન્ય પણ પોતાના સૈનિકો તૈનાત કરશે. ચીન દ્વારા કરાતી આવી હરકતોનો યોગ્ય ઉત્તર આપવા અને ભારતની ચીનને સ્પર્શતી તમામ સીમાઓ પર સજાગ રહેવાની કાર્યવાહી ભારત કરશે એ વાત નિશ્ચિત છે.