લગ્નમાં રક્તદાન, દહેજમાં દષ્ટિદાનઃ વડોદરાના ડો. ભેસાણિયાના સેવાકાર્યને ગિનેસ બુકમાં સ્થાન

0
927

નો ડાઉરી, નો ગોલ્ડ, ડોનેટ ઓનલી રેડ ગોલ્ડ’ના સૂત્રને વડોદરામાં ધ્વનિ ઇએનટી હોસ્પિટલના ડો. આર. બી. ભેસાણિયા ચરિતાર્થ કરી રહ્યા છે. લગ્નના ચાંલ્લામાં રક્તદાન, દહેજમાં દષ્ટિદાનનો ચીલો ચાતર્યો છે. 2008માં પોતાના ભત્રીજાનાં લગ્નથી તેમણે આ નવતર પગલાની શરૂઆત કરી હતી. આ યજ્ઞ તેમણે તબક્કાવાર પોતાના પરિવારનાં તમામ લગ્નોમાં ચાલુ રાખ્યો છે અને રક્તદાન કરાવ્યું છે. 2014માં પોતાની દીકરી ડો. ધ્વનિનાં લગ્નમાં પણ તેમણે આ પ્રથા અપનાવી. દીકરીનાં લગ્નમાં જાનવિયા, માંડવિયા, બ્રાહ્મણ, ઢોલી, વરવધૂને પણ રક્તદાન કરાવ્યું હતું. ડો. આર. બી. ભેસાણિયા, તેમનાં પત્ની ફાલ્ગુની ભેસાણિયાનું નામ અને કામ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ અને લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે. દેહદાન, નેત્રદાન અને શરીરનાં અન્ય અંગોનું દાન કરવાના શપથ અને નોંધણી પણ પોતાના પરિવાર સાથે લગ્નમાં મહેમાન બનેલાં જાનૈયાંઓ-મહેમાનો પાસે કરાવડાવ્યાં છે. આ ઉત્કૃષ્ટ માનવીય કાર્ય કરવા બદલ તેમનું નામ બે રેકોર્ડ્સ બુકમાં નોંધાયું છે. આ યજ્ઞમાં તેમણે બે કોમના નાગરિકો વચ્ચે પણ સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો છે, જેમાં અનેક લોકો જોડાયા હતા.
ડો. આર. બી. ભેસાણિયા છેલ્લાં 27 વર્ષથી વડોદરામાં ઇએનટી સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. સામાજિક ફરજોના ભાગરૂપે, તેઓ સન 1999થી સુરકતમ બ્લડ બેન્ક ચલાવે છે જે ગરીબ દર્દીઓને એઇડ્સ-ફ્રી બ્લડ પૂરું પાડે છે તેમ જ બહેરાં-મૂંગાં બાળકો માટે રેસિડેન્સિયલ સ્કૂલ પણ ચલાવે છે.
ડો. આર. બી. ભેસાણિયા અને તેમનાં ધર્મપત્ની ફાલ્ગુની ભેસાણિયા આ સેવાકાર્યમાં સદાય પ્રવૃત્તિશીલ રહે છે. ફાલ્ગુની ભેસાણિયા ગાયિકા છે અને સમાજસેવા કરવા તત્પર રહે છે. તેમનાં બન્ને સંતાનો ડો. ધ્વનિ ડેન્ટિસ્ટ છે, જ્યારે ડો. સિદ્ધાર્થ અમેરિકામાં ન્યુ જર્સીમાં વસે છે.
ડો. ભેસાણિયા કહે છે, ‘અમે વોલન્ટરી બ્લડ ડોનેશન અને આઇ-ઓર્ગન-બોડી ડોનેશન માટે સંદેશો અને જાગૃતિ ફેલાવવા નવા સર્જનાત્મક ઉપાયોની રચના કરી છે.’
બેસણામાં રક્તદાન શિબિરનો માર્ગ સન 2005થી અપનાવ્યો છે અને આજે બેસણું-પઘડી-ઉઠમણામાં 500થી વધુ રક્તદાન શિબિરો યોજવામાં આવી છે. લગ્નમાં રક્તદાનનો અભિગમ સન 2007થી શરૂ કર્યો છે જે અંતર્ગત વરવધૂ, સંબંધીઓ, મિત્રો રક્તદાન કરે છે.
ભેસાણિયા પરિવારમાં એ નિયમ બની ગયો છે કે પરિવારમાં જેના ઘરે લગ્ન હોય ત્યાં રક્તદાન શિબિરો યોજાય છે અને રક્તદાન થાય છે.
નવેમ્બર 2014માં ડો. ભેસાણિયાની દીકરી ધ્વનિ ભેસાણિયાનાં લગ્ન થયાં હતાં, જેમાં 374 નાગરિકોએ રક્તદાન કર્યું હતું. 79 નાગરિકોએ ચક્ષુદાનના શપથ લીધા હતા, જ્યારે 27 નાગરિકોએ બોડી અને ઓર્ગન ડોનેશનના શપથ લીધા હતા, જેમાંથી 146 મુસ્લિમ યુવાનોએ હિન્દુ દીકરીનાં લગ્નમાં રક્તદાન કર્યું હતું. કોમી એકતાનો આ અભિગમ અપનાવવામાં આવ્યો હતો અને આ કાર્ય બદલ લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું.
ડો. આર. બી. ભેસાણિયાએ 2008માં પોતાના ભત્રીજા કમલેશ ભેસાણિયાનાં લગ્નમાં 117 નાગરિકોએ રક્તદાન કર્યું હતું, જેમાં ઢોલી, ગોરમહારાજ, જાનૈયાં, માંડવિયાંને પણ રક્તદાન કરાવ્યું હતું. આ પછી 2009માં ભત્રીજી સંગીતાનાં લગ્ન થયાં હતાં, જેમાં પણ 77 નાગરિકોએ રક્તદાન કર્યું હતું. ડિસેમ્બર, 2011માં ડો. ભેસાણિયાના પુત્ર ડો. સિદ્ધાર્થનાં ડો. જાનકી સાથે લગ્ન થયાં હતાં ત્યારે તેમાં પણ 177 નાગરિકોએ રક્તદાન કર્યું હતું. આ પછી નવેમ્બર, 2014માં દીકરી ડો. ધ્વનિનાં લગ્ન ડો. જય સાથે થયાં હતાં.
આ લગ્નમાં નેત્રદાન-દેહદાન-રક્તદાન કરવાની શિબિર યોજી હતી, જેમાં 374 નાગરિકોએ રકતદાન કર્યું હતું. લગ્નસમારંભ દરમિયાન વધુ 300 નાગરિકો રક્તદાન કરવા માગતા હતા, પરંતુ સમયના અભાવના કારણે તેઓ કરી શક્યા નહોતા. લગ્નસમારંભમાં ડો. ધ્વનિ અને ડો. જયની રક્તતુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનાં પ્રેસિડન્ટ ડો. જયશ્રીબહેન મહેતા અન્ય મહાનુભાવો સાથે હાજર રહ્યાં હતાં.
આ પ્રસંગની નોંધ ગિનેસ વર્લ્ડ રેકોડ્઱્સ અને લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં વર્લ્ડ ટ્રેન્ડ સેટર તરીકે કરવામાં આવી હતી. ડો. ધ્વનિ અને ડો. જયના લગ્નપ્રસંગને ગિનેસ વર્લ્ડ રેકોડ્઱્સમાં ડિસેમ્બર, 2017માં સ્થાન મળ્યું હતું, કારણ કે આ પ્રસંગે 800થી વધુ લોકો રક્તદાન કરવા માગતા હતા, પરંતુ 374નું રક્તદાન શક્ય બન્યું હતું. વર અને વધૂએ પણ રક્તદાન કર્યું હતું. 378 યુનિટ રક્તથી વર-વધૂની રક્તતુલા થઈ હતી, જ્યારે આ લગ્નપ્રસંગને જુલાઈ. 2016માં લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું.
ડો. ભેસાણિયાના પુત્ર ડો. સિદ્ધાર્થ અને પુત્રી ડો. ધ્વનિનાં લગ્નમાં મંડપમાં માંડવા મુહૂર્ત દરમિયાન વૃક્ષારોપણનો નવો કન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આમ ડો. ભેસાણિયા દ્વારા લગ્નપ્રસંગે સામાજિક સંદેશ ફેલાવવામાં આવે છે.
આ તમામ વર્ષો દરમિયાન યોજાયેલાં લગ્નોમાં પરિવારજનો-મહેમાનો સહિત સેંકડો નાગરિકોને દેહદાન-નેત્રદાન-વિવિધ અંગોનું દાન કરાવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા, જે બદલ તેમનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન થયું હતું, પરંતુ વૈશ્વિક સ્તરે પણ ગિનેસ વર્લ્ડ રેકોર્ડસ અને લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું તે ગૌરવ લેવા જેવી બાબત છે.
‘પિતૃતર્પણ-રક્ત સમર્પણ-સમાજને અર્પણ’ના બેનર અંતર્ગત ડો. ભેસાણિયા દ્વારા છેલ્લાં નવ વર્ષથી વડોદરા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિવિધ રક્તદાન શિબિરો યોજવામાં આવે છે.
ડો. ભેસાણિયા માને છે કે, ‘અમારો હેતુ છે કે કોઈ પણ વ્યક્તિ રક્ત કે નાણાંની અછતના કારણે મૃત્યુ પામવી ન જોઈએ. કોઈ પણ યુવા વ્યક્તિ એવી ન હોવી જોઈએ, જેણે પોતાના જીવન દરમિયાન એક પણ વાર વોલન્ટરી બ્લડ ડોનેશન આપ્યું ન હોય. અમે બ્લડ બેન્કને માનવતાનું મંદિર માનીએ છીએ. અમારું વિઝન ક્વોલિટી-બ્લડ ડોનર-ઇનોવેશન છે. તમામ જ્ઞાતિ-વર્ગ-ધર્મ-પ્રદેશના લોકોને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબનું ક્વોલિટી બ્લડ મળવું જોઈએ. વોલન્ટરી બ્લડ ડોનેશનને પ્રમોશન આપવા તમામ શક્ય પ્રયાસો કરવા જોઈએ. અમારું ધ્યેય ગુજરાતમાં 100 ટકા વોલન્ટરી બ્લડ ડોનેશન હાંસલ કરવાનું છે. અમે રક્ત વેચતા નથી, અમે લોકોની જિંદગી બચાવવામાં મદદરૂપ થઈએ છીએ. બ્લડ બેન્ક અમારો વ્યવસાય નથી. અમારો ધર્મ છે.
ડો. ભેસાણિયા કહે છે કે લગ્નમાં રક્તદાનનો ટ્રેન્ડ 2007થી શરૂ કર્યો હતો અને અત્યાર સુધીમાં 25 લગ્નપ્રસંગોમાં રક્તદાન શિબિર યોજવામાં આવી છે. જ્યારે બેસણામાં રક્તદાનનો ટ્રેન્ડ 2005માં પ્રથમ વાર શરૂ કરાયો હતો અને અત્યાર સુધીમાં 800થી વધુ બેસણાં દરમિયાન રક્તદાન શિબિર યોજાઈ છે. સૌરાષ્ટ્ર અને સુરતમાં સમૂહલગનોત્સવ દરમિયાન રક્તદાન શિબિરની પ્રથા છે. આ એક પરંપરા થઈ ગઈ છે. આથી લોકોમાં રકતદાન, દેહદાન, અંગદાન, નેત્રદાન પ્રત્યે જાગરૃત આવી છે. રક્તદાન શિબિરોમાં એકઠું થયેલું રક્ત થેલેસેમિયાના દર્દીઓ, સરકારી હોસ્પિટલના દર્દીઓને બિલકુલ ફ્રી આપવામાં આવે છે. લગ્નની સાથે સાથે વ્યસનમુક્તિનાં પ્રદર્શન પણ ગોઠવવામાં આવે છે. અંગત સામાજિક પ્રસંગો દરમિયાન સમાજને કંઈક સંદેશા મળે તે પ્રકારનું આયોજન થાય છે. ભવિષ્યમાં આ પ્રવૃત્તિ સતત ચાલતી રહે તો સમાજને ફાયદો થશે.

લેખક ‘ગુજરાત ટાઇમ્સ’ના ન્યુઝ એડિટર છે.