લખીમપુર ખીરીની હિંસક ઘટનામાં સમાધાનઃ મૃતકના પરિવારોને ૪૫-૪૫ લાખ અપાશે

 

નવી દિલ્હીઃ ખેતીના કાયદાઓ સામેના વિરોધ દરમિયાન રવિવારે લખીમપુર ખેરી ઘટનામાં લોહિયાળ અથડામણ થઈ હતી, ફાયરિંગ અને આગચંપીમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોનાં મોત થયા હતા. કિસાન મહાપંચાયતની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું કે જ્યારે લખીમપુર ખીરી જેવી ઘટનાઓ બને છે ત્યારે તેની જવાબદારી લેવા કોઈ આગળ આવતું નથી. દરમિયાન આ મામલે ખેડૂતો અને તંત્ર વચ્ચે સમાધાન થયું હોવાની વાત બહાર આવી છે. મૃતક ખેડૂતોના પરિવારને ૪૫-૪૫ લાખ આપવાનું નક્કી કરાયું છે. સરકારે વચન આપ્યા બાદ ખેડૂતોએ રવિવારથી શરૂ કરેલું આંદોલન આટોપી લીધું છે.

ત્રણ નવા કૃષિ કાયદાઓ પહેલાંથી જ અટકાવી દેવાયા છે, એમ સર્વોચ્ચ અદાલતે સોમવારે કહ્યું હતું અને એક ખેડૂત સંગઠનને પૂછ્યું હતું જ્યારે તે કાયદાઓ વ્યવહારમાં નથી તો તેઓ કઈ બાબતે પ્રદર્શન કરી રહ્યા છે. જ્સ્ટીસ એ. એમ. ખાનવિલકર અને સી. ટી. રવિકુમારે કહ્યું હતું જ્યારે એક પક્ષે પહેલાંથી જ અદાલતનો સંપર્ક કરી આ કાયદાઓની વૈધતાને પડકારી છે તો પ્રદર્શન પર જવાનો પ્રશ્ન કેમ ઉભો થાય છે. 

જ્યારે એટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે લખીમપુર ખીરીના બનાવનો સંદર્ભ આપ્યો હતો જેમાં રવિવારે ૮ લોકોનાં મૃત્યુ થયાં હતાં ત્યારે બેન્ચે કહ્યું હતું આ પ્રકારના બનાવો બને છે ત્યારે કોઈ જવાબદારી લેતું નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને કહ્યું હતું કે જ્યારે આ બાબત ટોચની અદાલતમાં છે ત્યારે કોઈ પણ આ જ મુદ્દે માર્ગો પર ઉતરી શકતું નથી. ખેડૂતોના એક સંગઠને અરજી દાખલ કરી તેમને જંતર મંતર પર સત્યાગ્રહ કરવાની મંજૂરી માગી હતી, ટોચની અદાલત આ અરજીની સુનાવણી કરી રહી હતી. ખેડૂતોના સંગઠન કિસાન મહાપંચાયતે પણ સંબંધિત વહીવટી તંત્રને તેમને જંતર મંતર પર સત્યાગ્રહ કરવા ઓછામાં ઓછા ૨૦૦ પ્રદર્શનકારીઓ માટે જગ્યા ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપવાની માગ કરી હતી. 

અદાલતે આ બાબતની આગામી સુનાવણી ૨૧ ઓક્ટોબર રાખી હતી. ખેડૂતોના સંગઠને રાજસ્થાન ઉચ્ચ અદાલતમાં આ ૩ કૃષિ કાયદાઓની વૈધતાને પડકારતી અરજી કરી હતી, ટોચની અદાલતે આ અરજી પોતાની પાસે હસ્તાંતરિત કરી હતી. ઉલ્લેખનીય છે કે સંસદમાં પસાર થયેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં વિવિધ ખેડૂત સંગઠનો પ્રદર્શન કરી રહ્યા છે.

એક એવી વાત પણ બહાર આવી છે કે સમગ્ર મામલાની તપાસ હાઈકોર્ટના એક નિવૃત્ત જ્જ કરશે. દરમિયાન ઘટનાસ્થળે જવા માંગતા તમામ વિપક્ષી પક્ષોના નેતાઓને રોકી લઈ અટકાયત કરવામાં આવી હતી. રવિવારની ઘટના બાદ હિંસા ભડકી ઉઠી હતી. વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતોના એક ગ્રુપમાં ટીકોનીયામાં કેન્દ્રીય મંત્રી અજયકુમાર મિશ્રા અને યુપીના નાયબ મુખ્યમંત્રી કૈશવ પ્રસાદ મૌર્યને અટકાવવાની કોશિષ કરી હતી. મિશ્રાના તાજેતરના ભાષણથી ખેડૂતો નારાજ હતા. ખેડૂતોનો દાવો છે કે મંત્રીના કાફલાની એક કાર પર પ્રદર્શનકારીઓના ચઢવા બાદ હિંસા ભડકી છે