‘લખવું એ કાન ફફડાવવા જેવી અનુભૂતિ છે’

0
1611

એવું કહેવાય છે કે દુનિયાનો કોઈ પણ માણસ ધારે તો એકાદિ શ્રેષ્ઠ સાહિત્યિક કૃતિ આપી શકે, કેમ કે દરેક માણસ જિંદગી જીવતો હોય છે અને બીજાની સમક્ષ અભિવ્યક્ત કરી શકે એટલા અનુભવોનું ભાથું દરેકની પાસે હોય છે. દરેકની પોતાની અલગ પ્રકારની સંવેદનશીલતા હોય છે. પોતીકું ભાવવિશ્વ હોય છે. એટલે એક રીતે જોઈએ તો તમામ વ્યક્તિ પોતપોતાની રીતે મૌલિક છે. એનું અનુભવજગત અલગ પ્રકારનું છે. એ અર્થમાં માણસ ચાહે તો શ્રેષ્ઠ સર્જન આપી શકે પરંતુ માત્ર અનુભવ હોવાથી લેખક થઈ શકાય?
આ બાબતે પણ નિશ્ચિતપણે કહી શકાતું નથી, કેમ કે જગતમાં હજારો માણસો જીવે છે. કરોડો પ્રકારની ઘટનાઓ બને છે અને અનુભ સમૃદ્ધિ તો દરેકની પાસે વિપુલ માત્રામાં હોય છે. આટલા અમથા રો-મટીરિયલ થકી તેને કોઈ રચના કે સાહિત્યિક કૃતિનો આકાર આપી શકાય? આ બાબત જેટલી સહેલી લાગે છે એટલી વિચારતા કરી મૂકે એવી પણ છે. માણસમાત્ર સંવેદના ધરાવે છે. ગાંધીજી એવું કહેતાં કે દરેક માણસ મૂળભૂત રીતે સારો હોય છે અને દરેક વ્યક્તિની પાસે અસાધારણ કહી શકાય એવું પણ ઘણું બધું હોય છે. જો માણસને અનુકૂળ પ્લેટફોર્મ મળી જાય તો એની શક્તિઓ ુૂરબહારમાં ખીલી ઊઠતી હોય છે. આ બાબત નોકરી, ધંધો કે રાજકારણ જેવાં ક્ષેત્રમાં દેખીતી રીતે આપણને જોવા મળે છે. જેમાં કોઈકની પ્રેરણા થકી કે પુરુષાર્થ થકી સામાન્ય લાગતો માણસ કલ્પી ના શકાય એવી પ્રગતિ કરતો જોવા મળે છે. પરંતુ લેખનના ક્ષેત્રમાં આવું જોવા મળે છે? આ પ્રશ્નના ઉત્તરમાં હા પણ ના કહી શકાય કે ના કહીને પૂર્ણવિરામ પણ મૂકી ના શકાય એવું છે.
લખવાની પ્રવૃત્તિમાં પ્રેરણા કે કોઈકની ટકોર અથવા તો માર્ગદર્શન અત્યંત જરૂરી હોય છે અને એ રીતે ઘણા સર્જકો મહાન સાહિત્યકારો કે ચિત્રકારો યુગપ્રવર્તક કૃતિઓ સર્જી શક્યા છે, પરંતુ માત્ર આટલી મૂડી ઉપર લેખક, કલાકાર, સંગીતકાર થવું એ પણ શક્ય નથી. કેમ કે કલાનાં ક્ષેત્રોમાં અને એમાં પણ લેખન ક્ષેત્રે કોઈ ચોક્કસ કુટુંબ, ઘરાના કે પરંપરામાંથી લેખકો નથી આવતા. વળી કોઈ મહાન સાહિત્યકારનાં સંતાનો લેખનક્ષેત્રમાં જ આવે એવું પણ બનતું નથી. આ ક્ષેત્રમાં વંશપરંપરાગત લક્ષણો લગભગ નહિવત્ જોવા મળે છે. આમ છતાં વિશ્વના ઇતિહાસમાં એવા પણ વિરલ કિસ્સાઓ જોવા મળે છે કે જેમાં આવી ઘટનાઓ બની પણ હોય, પરંતુ અપવાદરૂપ કિસ્સાઓમાં જ લેખકનો દીકરો લેખક કે કવિની પુત્રી કવિ એવું સમીકરણ ફિટ બેસતું હોય છે અને એટલે જ લખનાર વ્યક્તિ માટેનું આપણું કુતૂહલ કે વિસ્મય હંમેશાં બરકરાર રહેતું હોય છે.
માણસના ઐશ્વર્યના ઘણા માપદંડો હોય છે, જેમ કે માણસ ધનવાન હોય, મૂડીપતિ હોય તો આપણી દષ્ટિએ એ સફળ ગણાય. સામાન્ય રીતે સુખી માણસ શબ્દનો ઉપાસક હોય એવું જોવા મળતું નથી, પરંતુ કલ્પના કરો કે આવું સાયુજ્ય દષ્ટિગોચર થાય તો કેવું અદ્ભુત લાગે? કલાપી જેવા રાજા અને યુવાન માણસ જે જગતની તમામ પ્રકારની સુખસમૃદ્ધિ ગળથૂથીમાંથી જ પ્રાપ્ત કરી શક્યા હોય એ વ્યક્તિ ઉત્તમ કક્ષાની કવિતાઓ લખતા હોય એ અત્યંત રોમાંચકાર વસ્તુ છે. રાજાઓ અને બાદશાહો એમની રાણીઓ અને બેગમો. એમના મહેલો, નોકરો દાસ-દાસીઓની વાતો આપણે સાંભળી છે. નવાબોના કૂતરાની સગાઈ કે લગ્નની રમૂજપ્રેરક ઘટનાઅઓપણ જાણી છે, પરંતુ કોઈ રાજા પોતાની કવિતામાં આવું લખે કે,
મને આ રાજદ્વારોના ખૂની ભપકા નથી ગમતા…
આ બાબત મહત્ત્વની બની જાય છે. લખવું અને સંવેદવું બન્ને ઘટનાનું જોડાણ થાય ત્યારે આવી પંક્તિઓનું અવતરણ થતું હોય છે.
આ નામ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે…
આવું લખનાર કવિ પ્રિયકાંત મણિયાર બજારમાં બેસીને ધંધો કરનાર વેપારી હતા. પરંતુ વાણિજ્યના વાતાવરણ વચ્ચે પણ અદ્ભુત કવિતાઓ ટપકતી રહે છે. કવિ હર્ષદ ચંદારાણા અમરેલીની પોતાની દુકાને બેઠાં-બેઠાં નાજુક શબ્દોનો પણ વ્યવહાર કરી લેતા હોય છે –
રોજ તારું નામ લઈ અટકળ લખું
ક્યાંક અટકું ને પછી અંજળ લખું.
કવિ હર્ષ બ્રહ્મભટ્ટ ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારી છે, પરંતુ ઉર્દૂ અને ગુજરાતી બન્ને પ્રકારની ગઝલો સાહજિકતાથી લખે છે. મનીષ પરમાર નામના એક કવિ સામાન્ય ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કવિ કે સર્જકને વ્યવસાય, ભૂગોળ કે પરિવેશ કશું નડતું નથી. સર્જક ગમે ત્યાં મહોરી ઊઠતો હોય છે. શબ્દની સાધના થકી પોતાની અલગ પહેચાન કરાવી જતો હોય છે અને એટલે જ કોઈનું સર્જન આપણે માણીએ છીએ ત્યારે એના સર્જક વિશે જાણવાની તાલાવેલી પણ એટલી જ તીવ્રપણે વધી જતી હોય છે.
કોઈ પણ વ્યવસાયમાં વ્યક્તિને સર્જકનો દરજ્જો નથી મળતો. આવું બિરુદ તો સ્વયં ઈશ્વર અથવા જગતના સર્જકને જ આપી શકાય, પરંતુ આપણે શબ્દનો પ્રસવ કરાવનાર તમામને સર્જક કહીએ છીએ. આનું કારણ સ્પષ્ટ છે. શબ્દને પ્રગટાવવો એ એક અલગ પ્રકારની અનુભૂતિ છે. લખવાનો રોમાંચ અનેરો છે. કાકાસાહેબ રખડવાનો આનંદ શબ્દ થકી આલેખી શકે છે. રસિક ઝવેરી અલગારી રખડપટ્ટીને માણસના ફનાગીરીના ભાવો સાથે અભિવ્યક્ત કરી શકે છે. સ્વામી આનંદની ગદ્યસૃષ્ટિમાં અવનવાં ગ્રામીણ પાત્રો આપણી અનુભવ ક્ષિતિજની બહાર હોવા છતાં આપણાં લાગે છે. ર. વ. દેસાઈની ગ્રામલક્ષ્મી કે દર્શકની ઝેર તો પીધાં છે જાણી જાણીનો આદર્શવાદ આપણા હળાહળ ભૌતિકવાદ વચ્ચે પણ જરૂરી હોય એવું લાગે છે. ક. મા. મુનશીની કલ્પનાશક્તિ ઇતિહાસને પણ અતિક્રમી જાય છે, તો કૃષ્ણ જેવા લોકપ્રિય વિષયને પણ કૃષ્ણાવતાર થકી વિસ્તારપૂર્વક પરંતુ એમ છતાંય ખૂબ જ રસપ્રદ અને જાદુઈ શૈલીમાં બહેલાવી શકે છે. ભાષાની સાદગી અને શીલ શું હોઈ શકે એની પ્રતીતિ ગાંધીજનાં લખાણોમાં આપણને થાય છે. ગુજરાતી ભાષાની સરળ પ્રત્યાયન શૈલી છતાંય એની પ્રગલ્ભ ગરિમા ગાંધીજીનાં લખાણોમાં સુપેરે નવો જ આયામ પ્રાપ્ત કરે છે.
સર્જક એ મૂઠીઊંચેરો હોય છે, કેમ કે એની પાસે સંવેદના છે. અનુભવ સમૃદ્ધિ હોય છે, દષ્ટિ હોય છે અને અભિવ્યક્તિની જન્મજાત કલા પણ હોય છે. સર્જક એ વિજ્ઞાનનો વાહક, કલાનો ચાહક અને પોતાના ભાવવિશ્વનો અનોખો નાયક હોય છે. ખરેખર લખવું એ કાન ફફડાવવા જેવી રોમાંચક પ્રવૃત્તિ છે, જે દરેકને આવડતી હોતી નથી!

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here