લખનઉનું નામ લક્ષ્મણપુર કે લખનપુરી કરવામાં આવે: સાંસદ સંગમ લાલ ગુપ્તા

 

લખનઉ: અનેક શહેરોના નામ બદલાયા બાદ હવે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉનું નામ બદલવાની માગ કરવામાં આવી છે. આ મામલે પ્રતાપગઢના ભાજપ સાંસદ સંગમ લાલ ગુપ્તાએ પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો હતો. સાંસદ સંગમ લાલે તેમના પત્રમાં કહ્યું કે મુઘલકાળનું નામ હાલ કેમ રાખવું? લખનઉનું નામ લખનપુરી પણ રાખી શકાય. મુઘલ ગાર્ડનનું નામ બદલી નખાયું તો લખનઉનું નામ પણ બદલી શકાય છે. પ્રતાપગઢના સાંસદે લખ્યું કે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ જેને સ્થાનિક માન્યતા અનુસાર ત્રેતા યુગમાં મર્યાદા પુરષોત્તમ ભગવાન રામે અયોધ્યા નરેશ તરીકે  લક્ષ્મણને ભેટ કરી હતી અને તેના કારણે જ તેનું નામ લખનપુર અને લક્ષ્મણપુર રખાયું હતું. પણ સમયાંતરે  ૧૮મી સદીના નવાબ આસફુદૌલાએ તેનું નામ બદલીને લખનઉ કરી દીધું હતું. સંગમ લાલ ગુપ્તાએ માગ કરી છે કે જ્યારે દેશ અમૃત કાલખંડમાં પ્રવેશી ગયો છે તો ગુલામી અને વિલાસિતાના પ્રતીક લખનઉનું નામ બદલી ભારતના શાનદાર સાંસ્કૃતિક વારસા ગૌરવ સમિતિ મર્યાદા તથા અને તેના પ્રતીક લખનપુર કે લક્ષ્મણપુર નામ કરવાની કૃપા કરવામાં આવે.