લક્ષ્ય સેનને એશિયન જુનિયર બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ


ભારતના 16 વર્ષના લક્ષ્ય સેને જાકાર્તામાં રમાયેલી એશિયન જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતીને ઐતિહાસિક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. (ફોટોસૌજન્યઃ ડીએનએઇન્ડિયા)

જાકાર્તાઃ ભારતના 16 વર્ષના બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને જાકાર્તામાં રમાયેલી એશિયન જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતીને ઐતિહાસિક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં લક્ષ્ય સેને વર્લ્ડ નંબર વન ઇન્ડોનેશિયાના કુન્લાવ્યુત વિટિદસર્નનને 21-19, 21-18થી પરાજય આપ્યો હતો. આ સાથે એશિયન જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતને 53 વર્ષ પછી મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. આ અગાઉ છેલ્લે 1965માં ભારતના ગૌતમ ઠક્કરે મેન્સ સિંગલ્સમાં આ ટાઇટલ મેળવ્યું હતું.
વર્લ્ડ રેન્કિંગમાં નવમું સ્થાન ધરાવતા લક્ષ્ય સેને મેજર અપસેટ સર્જીને ફાઇનલ સુધીની સફર ખેડી હતી. લક્ષ્યની સફળતાના કારણે ભારતને એશિયન જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપના ઇતિહાસમાં ત્રીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. આ અગાઉ પી. વી. સિંધુએ 2012માં ગોલ્ડ જીત્યો હતો.
ચેમ્પિયન થયા પછી લક્ષ્યે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે આ ચેમ્પિયનશિપ જીતીને હું ખૂબ જ ખુશ છું. મારો આત્મવિશ્વાસ વધ્યો છે. ઈજા થઇ હોવા છતાં હું રમ્યો હતો અને દર્દ દૂર કરવા પેઇનકિલર્સ પણ લેવી પડી હતી, આમ છતાં મેં મેદાન છોડ્યું નહોતું.
બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા લક્ષ્ય સેનને ગોલ્ડ મેડલ જીતવા બદલ રૂ. 10 લાખનું રોકડ ઇનામ એનાયત કરશે.