રો-પેક્સ ફેરી સર્વિસથી વર્ષો જૂનું સ્વપ્ન સાકારઃ નરેન્દ્ર મોદી

 

ભાવનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સૂરત અને સૌરાષ્ટ્ર વચ્ચે રો-પેક્સ-ફેરી સેવાઓનું રવિવારે ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેનિ્દ્રય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ફેરી સેવા શરૂ થયા બાદ સૌરાષ્ટ્રના ભાવનગરના ઘોઘાથી સૂરતના હજીરા વચ્ચે લોકો સમુદ્ર માર્ગનો ઉપયોગ કરી શકશે. 

જમીન માર્ગે ઘેઘાથી હજીરા વચ્ચેનું અંતર ૩૭૫ કિલોમીટર છે, પરંતુ આ સેવા શરૂ થયા બાદ તે ઘટીને માત્ર ૯૦ કિલોમીટર સુધીનું થઈ જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે લોકોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, આજે ઘોઘા અને હજીરા વચ્ચે રો-પેક્સ સેવા શરૂ થવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, બંને ક્ષેત્રોના લોકોનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું છે. લોકો વર્ષોથી જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે શુભમંગલ ઘડી હવે આવી પહોંચી છે. 

જમીન માર્ગે ઘોઘાથી હજીરા જવા માટે ૧૦ થી ૧૨ કલાકનો સમય લાગતો હતો પરંતુ હવે માત્ર ૩-૪ કલાક જ લાગશે. લોકોના સમયખર્ચની બચત થશે. આ પ્રસંગે હું એ તમામ ઈજનેરો, શ્રમિકોનો પણ આભાર વ્યક્ત કરું છું જેઓ આ પ્રોજેક્ટ સાથે સંલગ્ન રહ્યા છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, આજનો દિવસ ફક્ત ભાવનગર જિલ્લાના નાગરિકો માટે નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સુરતીજનોને દિવાળીની ભેટ છે. આ સર્વિસ થકી રાજ્યમાં પરિવહન ક્ષેત્રનો સર્વાંગી, સમતોલ અને સંપૂર્ણ વિકાસ થશે. ભાવનગરથી સૂરત હીરા, કાપડ જેવા વિવિધ ઉદ્યોગોમાં રોજગારી રળતા સૌરાષ્ટ્રજનો માટે આ સુવિધા ઉપયોગી પૂરવાર થશે. શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીથી ઈન્ટરસિટી કનેક્ટીવિટી શક્ય બની છે, આવનારા વર્ષોમાં ઘોઘા પોર્ટ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગીય પરિવહનનું કેન્દ્ર બનશે.