રોહિત શર્મા ખેલરત્ન એવોર્ડ પ્રાપ્ત કરનાર ચોથો ક્રિકેટર બનશે

 

નવી દિલ્હીઃ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે પસંદગી સમિતિ દ્વારા ક્રિકેટર રોહિત શર્માની સાથે રેસલર વિનેશ ફોગાટ સહિત ચાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવ્યા પછી છેલ્લી ઘડીએ તેમાં મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલનું નામ ઉમેરવામાં આવ્યું હતું. ખેલરત્ન એવોર્ડના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે પાંચ ખેલાડીઓના નામની પસંદગી થઇ છે. જો રોહિત શર્માને આ એવોર્ડ મળે તો તે આ એવોર્ડ મેળવનાર ચોથો ક્રિકેટર બનશે. સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીને આ સન્માન મળી ચૂક્યુ છે.

રોહિત શર્મા અને વિનેશ ફોગાટ સિવાય ટેબલ ટેનિસ ખેલાડી મોનિકા બત્રા, પેરાલિમ્પિયન મરિયપ્પન થાનગાવેલુના નામની પણ દેશમાં રમતગમતના ક્ષેત્રમાં આપવામાં આવતા આ સર્વોચ્ચ સન્માન માટે ભલામણ કરવામાં આવી છે અને તેમાં અંતિમ પળોમાં રાની રામપાલના નામનો ઉમેરો કરાયો હતો. ખેલરત્ન ઉપરાંત સમિતિ દ્વારા અર્જૂન એવોર્ડ માટે ભારતીય ટીમના ઝડપી બોલર ઇશાંત શર્મા, રિકર્વ આર્ચર અતનુ દાસ, મહિલા હોકી ખેલાડી દીપિકા ઠાકુર, કબડ્ડી ખેલાડી દીપક હૂડ્ડા અને ટેનિસ ખેલાડી દિવીજ શરણ સહિત ૨૯ નામોની પસંદગી કરવામાં આવી છે.

મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં રાષ્ટ્રીય પુરસ્કારો સમિતિની બેઠક મળી હતી, જેમાં આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે ચાર ખેલાડીઓના નામની ભલામણ કરવામાં આવી હતી. રોહિતે ૨૦૧૯ વર્લ્ડ કપમાં ૬૪૮ રન બનાવ્યા હતા. તે જ સમયે, વિનેશ એકમાત્ર ભારતીય મહિલા  રેસલર છે જેણે અત્યાર સુધી ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૧ માટે ક્વોલિફાય કર્યું છે. વિનેશે ૨૦૧૯ની વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો છે.

વિમેન્સ ટેબલ ટેનિસ ખેલાડી મોનિકા બત્રાએ ૨૦૧૮ ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ સિવાય તેણે ૨૦૧૮ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે. જો કે, તે હજી ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થવાનો બાકી છે.

૩૩ વર્ષિય રાહિત શર્મા ચોથા ભારતીય બનશે જેઓ ખેલરત્ન સન્માન પ્રાપ્ત કરશે. તે પહેલા સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીને આ સન્માન મળી ચૂક્યા છે. સચિન તેંડુલકરને ૧૯૯૮માં ખેલરત્ન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો, ધોનીને ૨૦૦૭માં અને વિરાટ કોહલીને આ સન્માન ૨૦૧૮માં પ્રાપ્ત થયો હતો અને ૨૦૨૦માં આ સન્માન રોહિત શર્માને મળવા જઈ રહ્યો છે જે ભારતીય ક્રિકેટ ટીમ અને ક્રિકેટનાં તમામ ચાહકો માટે ગર્વની વાત છે.