રોમાનિયામાં ગણિતની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતતા બે ભારતીય-અમેરિકનો

ન્યુયોર્કઃ રોમાનિયામાં બુકારેસ્ટમાં 21મીથી 26મી ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી રોમેનિયન માસ્ટર ઓફ મેથેમેટિક્સની સ્પર્ધામાં બે ભારતીય અમેરિકન સહિત ચાર અમેરિકન હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓએ ટોચનાં ઇનામો જીત્યાં હતાં. મિહિર સિંઘલ અને સ્વપ્નીલ ગર્ગને ગોલ્ડ મેડલ મળ્યો હતો અને કોલીન ટેન્ગ અને બ્રેન્ડન વેન્ગને સિલ્વર મેડલ મળ્યો હતો, જયારે બે વર્ષ પછી અમેરિકન ટીમે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. સ્પર્ધામાં 20 ટીમોએ દુનિયાભરમાંથી ભાગ લીધો હતો અને દરેક સ્પર્ધકને બે દિવસના સમયગાળામાં છ પ્રોબ્લેમ ઉકેલવાના હતા. દરેક ટીમનો સ્કોર ત્રણ સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરના સમન્વય પર આધારિત ગણવામાં આવતો હતો.
અમેરિકન ટીમનું આયોજન મેથેમેટિકલ એસોસિયેશન ઓફ અમેરિકા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રોમાનિયન માસ્ટર ઓફ મેથેમેટિક્સમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો, જેમને મેથેમેટિકલ એસોસિયેશન ઓફ અમેરિકા તેમ જ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ પ્રોગ્રામ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. મેથેમેટિકલ ઓલિમ્પિયાડ પ્રોગ્રામમાં એમએએ અમેરિકન મેથેમેટિક્સ કોમ્પિટિશન્સમાં સારો દેખાવ કરનારા હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ જ ભાગ લે છે. રોમાનિયન માસ્ટર ઓફ મેથેમેટિક્સ માટેના યુએસ ટીમ લીડર પ્રો-શેન લોહ હતા, જે કાર્નેગી મેલોન યુનિવર્સિટીના હતા, જ્યારે ટીમ ડેપ્યુટી લીડર ઇવાન ચેન હતા.