
કાનપુરઃ ડાયમંડ જ્વેલર નીરવ મોદી અને મેહુલ ચોકસીના રૂ. 11,400 કરોડના કૌભાંડ અંગે સરકાર અને તપાસ એજન્સીઓને હજી કોઈ કડી મળી નથી ત્યાં રોટોમેક પેનનું સાત બેન્કોમાં રૂ. 3695 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. અગાઉ રૂ. 800 કરોડનું મનાતું આ કૌભાંડ રૂ. 3695 કરોડનું છે તેમ સીબીઆઇની એફઆઇઆરમાં જણાવાયું છે.

રોટોમેકના પ્રમોટર વિક્રમ કોઠારી અને તેમના પરિવારે બેન્કમાંથી લોન લઈ કૌભાંડ આચર્યું છે. આ કેસમાં વિક્રમ કોઠારી, તેમનાં પત્ની અને પુત્રની ધરપકડ કરી તપાસ હાથ ધરાઈ છે. કોઠારીએ બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, અલાહાબાદ બેન્ક અને ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ પાસેથી રૂ. 2919 કરોડની લોન લીધી છે. વ્યાજ સહિત કુલ દેવું રૂ. 3695 કરોડ છે. કાનપુરમાં આવેલી રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડના પ્રમોટર વિક્રમ કોઠારી, તેમનાં પત્ની સાધના કોઠારી, પુત્ર રાહુલ કોઠારી છે. બેન્ક ઓફ બરોડાએ દાખલ કરેલી ફરિયાદ મુજબ કોઠારી અને તેમની કંપનીએ બેન્કમાંથી લોન લીધી હતી અને તે ન ભરીને છેતરપિંડી કરી હતી. રોટોમેક કંપનીના પ્રમોટર વિક્રમ કોઠારી કાનપુરના પોશ વિસ્તારમાં આલીશાન બંગલામાં રહે છે. રોટોમેક કૌભાંડ મામલે સીબીઆઇ અને ઈડી પછી હવે આઇટી વિભાગે કોઠારી અને તેના પ્રમોટરો સામે પગલાં લેવાની શરૂઆત કરી છે. આઇટી વિભાગે કરચોરી મામલે રોટોમેકના 14 બેન્ક એકાઉન્ટ સીલ કર્યાં છે.
સાત બેન્કોને લોન ન ચૂકવવાના મામલે સીબીઆઇએ વિક્રમ કોઠારીની પોતાના મુખ્યાલયમાં પૂછપરછ કરી છે. આ અગાઉ કોઠારીની કાનપુરમાં પૂછપરછ થઈ હતી.