રોજગાર મેળા દરમિયાન નાણામંત્રીએ ઉમેદવારોને નિમણૂક પત્રો સોંપ્યા

ચેન્નાઈઃ તમિલનાડુમાં રોજગાર મેળો યોજાયો હતો, જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન ઉપસ્થિત રહ્યા હતા. રોજગાર મેળાનો ઉલ્લેખ કરી સીતારામને કહ્યું કે, ઓક્ટોબર-2022થી આવા મેળાઓનું આયોજન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 10 લાખ લોકોને નોકરીના નિમણૂક પત્રો મળ્યા.
તેમણે વધુમાં કહ્યું કે, જો બેંકમાં સેવા આપતા અને સીધા સંપર્કમાં રહેતા ઉમેદવારોને નોકરીની ઓફર મળે છે, તો તેમણે ગ્રાહકો સાથે સ્થાનિક ભાષા શીખવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં 51000 નિમણૂંક પત્રો આપવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, મને માહિતી મળી છે કે, તમિનાડુના 553 લોકોને નોકરીના નિમણૂક પત્રો મળી રહ્યા છે.
રોજગાર મેળામાં સંબોધન દરમિયાન કેન્દ્રીય નાણાં મંત્રી સીતારામને કહ્યું કે, અન્ય રાજ્યોમાંથી પસંદ થયેલ ઉમેદવારો, જેમને વિવિધ રાજ્યોમાં ફરજ સોંપાઈ છે, તેઓ ત્યાંની સ્થાનિક ભાષા શીખે.
આ દરમિયાન નાણા મંત્રી સીતારામને ભારપુર્વક જણાવ્યું કે, જે ઉમેદવારોને નોકરીની ઓફર મળી છે, તેમણે કુશળતા વધારવી જોઈએ. તેમણે સુનિશ્ચિત કરવું જોઈએ કે, કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડીએ. સીતારામને કાર્યક્રમ દરમિયાન તમિલનાડુમાં નોકરીની ઓફર માટે પસંદ થયેલ 553 ઉમેદવારોમાંથી 156 લોકોને નિમણૂક પત્રો આપ્યા હતા.