રોજગાર મેળાઓ ભાજપ સરકારની નવી ઓળખ બની ગયા છે: મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા અંતર્ગત ૭૦,૧૨૬ નવ-નિયુક્ત કર્મચારીઓને નિમણુંક પત્ર સોપ્યા હતા. આ દરમિયાન આયોજીત એક કાર્યક્રમને વીડિયો કોન્ફરંસના માધ્યમથી સંબોધીત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રોજગાર મેળા એનડીએ અને ભાજપ સરકારની ઓળખ બની ગયા છે. આ રોજગાર મેળાના ભાગરૂપે ૭૦,૦૦૦થી વધુ યુવાઓને નિમણુંક પત્ર સોપવામાં આવ્યા. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે મને ખુશી છે કે દરેક ભાજપ શાસિત રાજ્યોમાં રોજગાર મેળા લગાવવામાં આવી રહ્યા છે. હું દરેક નિમણુંક પામેલા લોકોના પરિવારને શુભેચ્છા પાઠવું છું. સરકાર હસ્તકના અને ખાનગી એમ બન્ને ક્ષેત્રોમાં દરરોજ રોજગારની નવી તકો ઉભી થઇ રહી છે. મોદીએ કહ્યું હતું કે સંસ્થાઓ નોકરીઓ આપવાની સાથે સાથે પરીક્ષાની પ્રક્રિયાને પારદર્શી અને સરળ બનાવવા પર પણ ધ્યાન આપી રહી છે. અગાઉની સરકારો પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અગાઉ પરીવારવાદી રાજકારણમાં સામેલ રાજકીય પક્ષો સરકારી નોકરીઓમાં ભરતી સમયે એક સુવ્યવસ્થિત પ્રક્રિયાના બદલે ભ્રષ્ટાચારને વધારો આપતી હતી. અગાઉની સરકારોએ કરોડો યુવાઓના સપનાઓને ચકનાચુર કરી દીધા હતા. વિપક્ષોની સરકારોમાં નોકરી માટે રેટકાર્ડ ચાલતા હતા જ્યારે વર્તમાન ભાજપની સરકાર યુવાઓની સેફગાર્ડ છે અને નોકરી મેળવવાની પ્રક્રિયાને વધુ સુરક્ષીત બનાવી દેવામાં આવી છે.