દરેક વ્યક્તિની ઈમ્યુન સિસ્ટમ જુદી જુદી હોય છે. કોઈની ઈમ્યુન સિસ્ટમ ખૂબ જ શક્તિશાળી , તો કોઈની ઈમ્યુન સિસ્ટમ કમજોર હોયચે. આપણી ઈમ્યુન સિસ્ટમ- રોગપ્રતિકારક શક્તિ આપણને ઘણી બીમારીઓથી બચાવતી હોય છે. બીમારીઓનો સામનો કરવા માટે, એની સામે લડવા માટે આપણી ઈમ્યુન સિસ્ટમ મજબૂત હોય એ અતિ આવશ્યક છે. જેમની ઈમ્યુન સિસ્ટમ કમજોર હોય તે વારંવાર બીમારીનો ભોગ બનતા રહે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમજ આપણી જે પ્રકારની જીવન- શૈલી હોય છે તે આપણી ઈમ્યુન સિસ્ટમ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. ઘણા લોકોને વારંવાર શરદી કે ખાંસી થાય છે. ઘણાને કોઈને કોઈ વસ્તુની એલર્જી હોય છે. કેટલાાક લોકો હંમેશા થાકી જતા હોય છે. સ્હેજ કામ કરે કે તરત જ એમને થાક લાગે છે. વારંવાર થાકની ફરિયાદ કરતા લોકોની ઈમ્યુન સિસ્ટમ ખૂબ જ નબળી હોય છે. દરેક વ્યક્તિને કયારેક ને કયારેક વાગતું હોય છે. પરંત ઘા રુઝાવામાં દરેકને અલગ અલગ સમય લાગતો હોય છે. કેટલાકની ઈમ્યુન સિસ્ટમ એટલી પાંગળી હોય છે કે, થયેલો ઘા રુઝતા સામાન્ય કરતાં વધારે સમય લાગતો હોય છે. કેટલાકની પાચનશક્તિ નબળી હોય છે. ઘણા લોકોની પાચનશકિત – પાચન ક્રિયા ખૂબ જ મંદ હોય છે. તેમને કબજિયાત, ગેસ, પેટનો દુખાવો, પેટ ફૂલી જવું વગેરે સમસ્યાઓ રહેતી હોય છે. પાચનશક્તિ સુધારવા માટે ઈમ્યુનિટી વધે તેવો ખોરાક લેવાની જરૂર હોય છે.
ઈમ્યુનિટી વધારવા સંતરા અને લીંંબુનો ઉપયોગ કરવો અતિ આવશ્યક છે. સંતરા અને લીંબુમાં વિટામિન સીનું પ્રમાણ સૌથી વધારે માત્રામાં હોય છે. તમે રોજ એક સંતરું કે લીંબુ ખાઈ શકો છો. તે ઈમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે. રોજ એક લીંબુનો રસ લેવો ફાયદાકારક સાબિત થાય છે. બ્રોકલીમાં પણ વિટામીન સી ભરપૂર માત્રામાં મળે છે. બ્રોકલીમાં ફાઈટોકેમિકલ્સ અને એન્ટી ઓકસીડન્ટ હોય છે. જે આપણી ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. બ્રોકલીમાં વિટામિન ઈ પણ હોય છે. જે સંક્રમણ સામે લડી શકે છે. ઈમ્યુનિટી વધારવા માટે બ્રોકલી આહારમાં સામેલ કરવી લાભદાયી છે. કીવી તમારા શરીરમાં આખા દિવસ દરમિયાન જેટલી વિટામીન સી ની જરૂર હોય તે પૂર્ણ કરે છે. આમ દરેક વ્યક્તિે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત બને તેવો પૌષ્ટિક આહાર લેવો જોઈએ.