રોગચાળા સામે તકેદારી રાખીશું તો ત્રીજી લહેરમાં કેસ નહિ વધેઃ સરકાર

 

નવી દિલ્હીઃ આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે બુધવારે જણાવ્યું હતું કે કોરોનાવાઇરસના રોગચાળાની સામે જો અત્યારથી જ તકેદારી રાખીશું અને જરૂરી પગલાં લેવાનું ચાલુ રાખીશું, તો ત્રીજી લહેરમાં કેસ નહિ વધે તેમ જ હેલ્થ સિસ્ટમ પર બોજો આવી નહિ પડે.

તેમણે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં માત્ર ૨.૨ ટકા વસતિને જ કોવિડ-૧૯નો ચેપ લાગ્યો છે અને બાકીના ૯૭ ટકાથી વધુ લોકોને તે લાગી શકે છે અને તેથી આપણે ઢીલાશ રાખવી ન જોઇએ તેમ જ નિયમનું ચુસ્ત પાલન કરવું જોઇએ.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે જણાવ્યું હતું કે દેશમાં હજી પણ ઘણાં લોકો, ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી ક્ષેત્રના લોકો રસીને લગતી ગેરમાન્યતા, અફવા, ખોટી માહિતીને લીધે કોરોનાવાઇરસ સામેની રસી લેતા અચકાય છે. આવી ઘણી અફવા સોશિયલ મીડિયા પર પણ ફેલાવાય છે. તેમણે જણાવ્યું હતું કે રસીને લગતી ગેરમાન્યતા દૂર કરવી અને કોરોનાવાઇરસનો ચેપ ફેલાતો રોકવા લોકોને નિયમનું પાલન કરવા સમજાવવા જરૂરી છે. યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ) દ્વારા આયોજિત મીડિયા વર્કશોપમાં આરોગ્ય મંત્રાલયના આ અધિકારીએ રસીને લગતી ગેરમાન્યતા દૂર કરવાની બાબત પર ભાર આપ્યો હતો.

વિવિધ રસી ભેગી કરીને આપવાથી તે વધુ અસરકારક બનતી હોવાની વાતના સંબંધમાં પુછાયેલા સવાલના જવાબમાં આરોગ્ય મંત્રાલયના અધિકારી વીણા ધવને સ્પષ્ટતા કરી હતી કે અમને અત્યાર સુધી મળેલી માહિતી મુજબ રસીના ડોઝ બદલી ન શકાય એટલે કે જે રસીનો પહેલો ડોઝ લીધો હોય તેનો જ બીજો ડોઝ લેવો જોઇએ. તેમણે જણાવ્યું હતું કે એકથી વધુ રસી ભેગી કરીને આપવાની બાબતમાં હજી સુધી કોઇ અભ્યાસ પૂરો નથી થયો.

વીણા ધવને જણાવ્યું હતું કે રસી લીધા બાદની ૩૦ મિનિટ મહત્ત્વની છે. વ્યક્તિએ રસી લીધા બાદ ૩૦ મિનિટ સુધી તેની આડઅસર થાય છે કે નહિ, તે જોવા ત્યાં જ બેઠા રહેવું જોઇએ. રસી લીધા બાદ કેટલો સમય સુધી રક્ષણ મળે? એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે રસી છથી આઠ મહિના સુધી રક્ષણ આપે છે. જો જરૂર લાગશે તો બૂસ્ટર ડોઝ આપી શકાય છે.