રોકેટ હુમલામાં ૨ ઇઝરાયેલીઓના મોત : હમાસ પર ઇઝરાયેલ હુમલામાં ગાઝામાં ૨૬ માર્યા ગયા

 

ગાઝા સિટીઃ જેરૂસલેમના વિવાદ અંગે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સપ્તાહોથી ચાલતો સંઘર્ષ મંગળવારે વધુ વકર્યો હતો જેમાં ઇઝરાયેલે ગાઝા  પર નવા હવાઇ હુમલાઓ કરતા સંખ્યાબંધ ઉગ્રવાદીઓ અને નાગરિકો માર્યા ગયા હતા જ્યારે ઉગ્રવાદીઓએ દક્ષિણી ઇઝરાયેલ પર સેંકડો રોકેટો દાગ્યા હતા જેમાં બે ઇઝરાયેલીઓના મોત થયા હતા.

સોમવારના સૂર્યાસ્તથી ૨૬ પેલેસ્ટાઇનીઓ  જેમાં નવ બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે  માર્યા ગયા હતા, જેમાંથી મોટા ભાગના હવાઇ હુમલાઓમાં જ મૃત્યુ પામ્યા હતા એમ આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું. ઇઝરાયેલના લશ્કરે જણાવ્યું હતું કે માર્યા ગયેલાઓમાંથી ૧૬ ઉગ્રવાદીઓ હતા. ગાઝામાંથી છોડવામાં આવેલા રોકેટોમાં ઇઝરાયેલના દક્ષિણી શહેર અશ્કેલોનમાં બે મહિલાઓના મોત થયા હતા જે હાલની હિંસામાં પ્રથમ ઇઝરાયેલી મોતની ઘટનાઓ છે. સોમવાર સાંજથી ઓછામાં ઓછા દસ ઇઝરાયેલીઓ ઘાયલ થયા છે. આ મૃત્યુ પછી ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ જણાવ્યું હતું કે અધિકારીઓએ હુમલાનું બળ અને સંખ્યા બંને વધારવાનો નિર્ણય કર્યો છે.