રેકોર્ડ બ્રેકઃ કોરોનાના એક જ દિવસમાં ૬૯,૦૦૦ કરતા વધુ નવા કેસ નોંધાયા

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યાં છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૬૯,૬૫૨ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો ૨૮,૩૬,૯૨૬ પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં પ્રમાણે દેશમાં હાલ ૬,૮૬,૩૯૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ૨૦,૯૬,૬૬૫ લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. એક જ દિવસમાં દેશમાં કોરોના વાઇરસના કારણે ૯૭૭ લોકોનાં મૃત્યુ થયાં છે. આ સાથે દેશમાં કુલ મૃત્યુનો આંકડો ૫૩,૮૬૬ થયો છે. જો કે રાહતની વાત એ છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મત્યુદર ઘટીને ૧.૯૦ ટકા થઈ ગયો. આ ઉપરાંત જે એક્ટિવ કેસની સારવાર ચાલુ છે તેમનો દર પણ ઘટીને ૨૩ ટકા થયો છે. રિકવરી રેટ પણ ૭૫ ટકા થઈ ગયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. 

ત્ઘ્પ્ય્ના જણાવ્યાં મુજબ ૧૯ ઓગસ્ટ સુધીમાં કોરોના વાઇરસના કુલ ૩,૨૬,૬૧,૨૫૨ સેમ્પલ ટેસ્ટિંગ થયા છે. જેમાંથી ૯,૧૮,૪૭૦ સેમ્પલ બુધવારે ટેસ્ટિંગ કરાયા. પોઝિટિવિટી રેટ ૮ ટકાથી ઓછો છે.  

આંકડા મુજબ દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં દોઢ લાખથી વધુ સંક્રમિતોની હોસ્પિટલોમાં સારવાર ચાલુ છે. ત્યારબાદ બીજા નંબરે તામિલનાડુ, ત્રીજા નંબરે દિલ્હી, ચોથા નંબરે ગુજરાત અને પાંચમા નંબરે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસના મામલે દુનિયામાં ભારતનું ત્રીજું સ્થાન છે. 

કોરોના સંક્રમિતોની સંખ્યા પ્રમાણે ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ ભારત છે. એક જ દિવસમાં કેસની સંખ્યા જોઈએ તો અમેરિકા  અને  બ્રાઝિલમાં ક્રમશઃ ૪૩,૨૩૭ અને ૪૮,૫૪૧ નવા કેસ એક દિવસમાં જોવા મળ્યાં છે. જ્યારે ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૯,૬૫૨ નવા કેસ નોંધાયા છે