રીઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા નૃત્ય,ગાયન સ્પર્ધાઓના વિજેતાઓનું અભિવાદન 

 

પોરબંદરઃ નૃત્ય, સંગીત અને હાસ્ય સ્પર્ધાઓમાં વિજેતા થયેલા સ્પર્ધકોનો અભિવાદન કાર્યક્રમ તેમજ પોરબંદરની સૂરશ્રી કલ્ચરર ક્લબ દ્વારા સંગીત પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. લોકોનાં જીવનની ગુણવત્તાનું સ્તર ઊંચું આવે અને યુવા પેઢીને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એવા ઉમદા હેતુસર ડો. વી. આર. ગોઢાણિયા મહિલા કોલેજ અને રીઝવાન આડતિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પોરબંદરના પનોતા પુત્ર અને હાલ આફ્રિકા સ્થાયી થયેલા સેવા પુરુષ રીઝવાનભાઈ આડતિયાની મોટિવેશન સ્પીચ તેમજ ઓપન પોરબંદર નૃત્ય, સંગીત અને હાસ્ય સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા તેમજ વિજેતા થયેલા સ્પર્ધકોનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. 

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું ભાવભીનું સ્વાગત રીઝવાન આડતિયા ફાઉન્ડેશનના  પીયૂષભાઈ ઝાલાએ કહ્યું હતું કે વિવિધ સ્પર્ધાઓ માટે શહેરોમાંથી ૨૫૦ એન્ટ્રીઓ આવી હતી, જેમાં ૪૦૦ જેટલા કલાકારો ભાગીદાર થયા છે. મુંબઈસ્થિત  રૂપેશભાઈ શાહ, મનીષભાઈ દત્તાણી, જેસીઇના સ્થાપક પ્રમુખ લાખણશીભાઈ ગોરણિયા લીલી, ડો. ભરતભાઈ ગઢવી, રેડક્રોસ સોસાયટીના અકબરી સોરઠિયા, ડો. વી. આર. ગોઢાણિયા,  બી.એડ. કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડા, સૂરશ્રી કલ્ચર ક્લબના ચેરમેન કિરીટભાઈ રાજપરાની ઉપસ્થિતિમાં યોજાયેલા ઇનામ વિતરણ સમારોહનું મંગલદીપ પ્રગટાવીને રીઝવાન આડતિયા ફાઉન્ડેશનના  રીઝવાન આડતિયાએ પોતાના અનુભવથી યુવાનોને જણાવ્યું હતું કે નવયુવકો ઊર્જાનું સ્ત્રોત હોય છે. યુવાનોનું દર્શન કરવું એ પ્રેરણાદાયી છે. જો તમારે ભવિષ્યમાં ભારતના મૂલ્યવાન નાગરિક બનવું હોય તો તમારે શું બનવું છે? ક્યાં પહોંચવું છે? એનાં સ્વપ્નો  જુઓ. જે હાંસલ કરવું હોય એનાં સ્વપ્ન જોવો અને પુરુષાર્થ સંકલ્પ તથા હકારાત્મક અભિગમ કેળવો. 

ગાયન, નૃત્ય અને હાસ્ય સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોએ આ તકે પોતાનું પર્ફોર્મન્સ પ્રસ્તુત કર્યું હતું. ગાયનમાં અમીન સાગઠિયા, ખુશી અગલાણી, જેનીશ ગાજરા, નૃત્યમાં  નંદની દવે, ગ્રુપ નૃત્યમાં કશીશ અને દષ્ટિ, ધારા ઠકરાર અને હાસ્ય સ્પર્ધામાં કેવિન સિસોડિયા તેમજ સૂરશ્રી કલ્ચરર ક્લબના નેજા હેઠળ કલાકારો કમલ રાજપરા, જિજ્ઞાસુ માંકડ, દવે ગંગની, હિતાશ્રી રંગરસ, દાવડા કિશન, રાજીવ સાગઠિયા, નેન્શી બાયોદરા સહિતના કલાકારોએ પોતાનાં સુમધુર ગીતોથી સૌને ડોલાવ્યા હતા. નૃત્ય, ગાયન અને હાસ્ય સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે વિજેતા થયેલાં યુવક-યુવતીઓને રીઝવાન આડતિયાના હસ્તે માતબર ઇનામો એનાયત કરાયાં હતાં.

દિવ્યાંગ વ્હીલચેર ડાન્સર કૃપા લોઢારી તથા હિતાક્ષી રંગરસનું વિશેષ સન્માન થતાં લોકોએ તાળીઓ સાથે વધાવ્યું હતું. રાજર્ષિ તરીકેનો સાંદીપનિ વિદ્યાનિકેતનનો અવોર્ડ મેળવનાર પોરબંદરના પનોતા પુત્ર રીઝવાન આડતિયાનું પોરબંદરની સૂરશ્રી કલ્ચરર ક્લબના ચેરમેન કિરીટ રાજપરા સહિતના હોદ્દેદારોએ પ્રશસ્યપત્રથી સન્માન કરાયું હતું