રિલાયન્સ સાથેના જોઈન્ટ વેન્ચરમાં અમે કોઈ પણ બાબત છાની રાખી નથીઃ યુધ્ધ વિમાનનું નિર્માણ કરતી ફ્રાંસની કંપની દસોંના સીઈઓ એરિક ટ્રૈપિયરે કરેલો ખુલાસો

0
877

તાજેતરમાં રાફેલ અંગે રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપોને દસોંના સીઈઓએ નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમે રિલાયન્સમાં નાણાનું રોકાણ કર્યું નથી. નાણાં જોઈન્ટ વેન્ચરમાં લગાવવામાં આવી રહ્યા છે.

 દસોં એવિયેશન કંપનીના મુખ્ય અધિકારી અને સીઈઓ અેરિક ટ્રૈપિયરે એક ઈન્ટરવ્યૂમાં  કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ કરેલા તમામ આક્ષેપોને અયોગ્ય ગણાવ્યા હતા. તેમણે  કહયું હતું કે, તેઓ કદી ખોટા નિવેદન કરતા નથી. તેમણે આ રાફેલ વિમાનના કરાર અંગે જે માહિતી આપી હતી તે તમામ વાત સાચી છે. તેમણે કોઈ હકીકત છુપાવી નથી. ફ્રાંસના ભૂતપૂર્વ પ્રમુખે  આ જોઈન્ટ વેન્ચર બાબત જે નિવેદન કર્યા હતા તે અયોગ્ય હતા. રાહુલ ગાંધીએ એવો આક્ષેપ કર્યો હતો કે, દસોં કંપનીએ અનિલ અંબાણીની કંપનીને 284 કરોડ રૂપિયા આપ્યા હતા. આ નાણાથી અનિલ અંબાણીએ જમીન ખરીદી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દસોના સીઈઓ ખોટા નિવેદને કરે છે. તેઓ માત્ર નરેન્દ્ર મોદીનો બચાવ કરવા માટે આવા નિવેદન કરી રહયા છે. જો આ મામલાની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે તો મોદીની મુશ્કેલીમાં વધારો થશે. એરિક ટ્રૈપિયરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી સાથે ડિલ કરવાનો તેમને લાંબો અનુભવ છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમના વિષે કરેલી ટિપ્પણીથી તેમને દુખ થયું છે. તેમને આઘાત પણ લાગ્યો છે. તેમણે વધુમાં કહયું હતું કે, તેમની કંપનીએ 1953માં ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુની સાથે પણ ડિલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે ભારત સાથે ઘણા લાંબા સમયથી કામ કરી રહયા છીએ. અમે કોઈ વ્યક્તિ કે પાર્ટી માટે કામ કરતા નથી. અમે ભારતીય હવાઈદળ અને ભારત સરકારને ફાઈટર જેટ જેવા વ્યૂહાત્મક પ્રોડક્ટ આપી રહયા છીએ જે ભારત માટે અત્યંત આવશ્યક છે.

 રિલાયન્સ કંપનીને ઓફસેટ પાર્ટનર તરીકે પસંદ કરવા પાછળનું કારણ અંગે પૂછવામાં આવતાં તેમણે  કહયું હતું કે, આ ડિલમાં જે નામા રોકવામાં આવ્યા છે તે સીધેસીધી રીતે રિલાયન્સને નહિ મળે. એ નાણાં જોઈન્ટ વેન્ચરને ( સહિયારા સોદાને) મળશે.. સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમ અનુસાર, આ સોદામાં(ડિલમાં) 51 ટકા નાણાં રિલાયન્સના છે, જયારે 49 ટકા દસો કંપની ઉમેરશે. એકસાથે 800 કરોડ રૂપિયા 50-50 ટકાના ધોરણે લગાવવામાં આવ્યા છે.