રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના લિડરશીપ ટ્રાન્ઝિશન વિષે વાત કરતાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી … રિલાયન્સના નેતૃત્વની જવાબદારી યુવા પેઢીને  સોંપવા માગે છે.. 

 

           તાજેતરમાં દેશના સૌથી ઘનાઢય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, તેઓ રિલાયન્સના નેતૃત્વની કમાન હવે યુવા પેઢીના હાથમાં સોંપવા માગે છે. તેમણે કહ્યું હતું કે, રિલાયન્સમાં હવે લીડરશિપમાં ટ્રાન્ઝિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મોટા સપનાઓને સાકાર કરવા અને અશક્ય લાગતા લક્ષ્યને સિધ્ધ કરવા માટે યોગ્ય લોકોની અને યોગ્ય નેતાગીરીની જરૂર પડે છે. રિલાયન્સ અત્યારે  નેતૃત્વના ક્ષેત્રમાં ધરખમ પરિવર્તન લાવવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે. મારી પેઢીના સીનિયરોથી હવે નવી પેઢીના લીડરો તરફ લીડરશિપ જઈ રહી છે. આ પ્રક્રિયા ઝડપથી આગળ વધે એ મને ગમશે. તેમણે જણાવ્યું હતું કે, મારા સહિતના તમામ સીનિયરોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ખાતે અત્યંત સક્ષમ, અત્યંત પ્રિતબધ્ધ અને પ્રતિભાસંપન્ન યુવા નેતૃત્વ માટે માર્ગ ખોલવો જોઈએ. આપણે તેમને માર્ગદર્શન આપવું જોઈએ. તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમને વધુ સુંદર કામગીરી કરવા માટે સક્ષમ બનાવવા જોઈએ. જયારે તેઓ સારું પરિણામ લાવે કે સારો દેખાવ કરે ત્યારે આપણે પાછળ ખસી જઈને તેંમને  વધાવી લેવા જોઈએ. રિલાયન્સ જૂથ અત્યારે ત્રણ વર્ટિકલ્સમાં કાર્ય કરે છે. તેના એનર્જી સેકટરમાં જામનગર સ્થિત ઓઈલ રિફાઈનરી, તેમજ પેટ્રો કેમિકલ્સ પ્લાન્ટ સામેલ છે. તેના રિટેઈલ બિઝનેસમાં ફિઝિકલ સ્ટોર્સ તથા જિયો માર્ટનું ઈ- કોમર્સ યુનિટ સામેલ છે. જયારે તેનો ટેલિકોમ અને ડિજિટલ બિઝનેસ જિયો નામે ચાલે છે. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સ જૂથ ખાતે ઓર્ગેનાઈઝેશન કલ્ચરનો વિકાસ થવો જોઈએ. અને તે ટકી રહેવું જોઈએ. મને વિશ્વાસ છેકે, આગામી પેઢીના લીડર તરીકે આકાશ, ઈશા અને અનંત રિલાયન્સને વધુ નવી ઊંચાઈ પર લઈ જશે. આકાશ , ઈશા અને અનંત – મુકેશ અંબાણીના સંતાનો છે.પુત્રી ઈશાના લગ્ન યુવા ઉદ્યોગપતિ આનંદ પિરામલ સાથે થયાં છે. અનંત અંબાણી તેમના નાના પુત્ર છે. આકાશ તેમનો મોટો પુત્ર છે. મુકેશ અંબાણી હવે પોતાના યુવા અને પ્રતિભાસંપન્ન સંતાનોના હાથમાં રિલાયન્સના સુકાનની જવાબદારી સોંપવા માગે છે, એ વાત સ્પષ્ટ થઈ હતી.