રિયોમાં રજત બાદ ટોકિયોમાં કાંસ્ય સિંધુ બની ચંદ્રકોની સામ્રાજ્ઞી

 

ટોક્યોઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. સિંધુ ભારત તરફથી ઓલિમ્પિકમાં બે ચંદ્રક જીતનારી પહેલી મહિલા ખેલાડી બની છે. એકંદરે આવી સિદ્ધિ હાંસલ કરનાર પહેલવાન સુશીલકુમાર પછીની તે ભારતની બીજી ખેલાડી બની છે. 

સિંધુએ આ પહેલાં રિયો ઓલિમ્પિકમાં રજત ચંદ્રક જીત્યો હતો. સિંધુની સિદ્ધિ પર દેશ આફરીન બન્યો છે. સિંધુએ રવિવારે કાંસ્ય ચંદ્રક માટેના મુકાબલામાં આક્રમક રમતનું પ્રદર્શન કરીને તેનાથી ઉપરના ક્રમની ચીની ખેલાડી બિંગ જિઆઓ વિરુદ્ધ બાવન મિનિટની રમતમાં ૨-૦થી જીત હાંસલ કરીને ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ત્રીજો ચંદ્રક અપાવ્યો હતો. આ પહેલાં વેઇટ લીફ્ટર મીરાંબાઇ ચાનૂએ રજત ચંદ્રક જીત્યો છે. 

જ્યારે મહિલા મુક્કેબાજ લવલીનાએ સેમિ ફાઇનલમાં પહોંચીને ચંદ્રક પાકો કરી લીધો છે. ચીની ખેલાડી બિંગ જિઓઓ સામે પીવી સિંધુનો ૨૧-૧૩ અને ૨૧-૧પથી જોરદાર વિજય થયો હતો. આજની રમતમાં સિંધુ ચીની ખેલાડી પર છવાઇ ગઇ હતી. સિંધુની સ્મેશનો ચીની ખેલાડી જવાબ આપી શકી ન હતી. સિંધુની નેટ ગેમ પણ આજે સારી રહી હતી. બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર રેલીઓ પણ જોવા મળી હતી, પણ સિંધુએ તેની ઉંચાઇનો લાભ લઇને ડાબા હાથે રમતી ચીની ખેલાડી જિઆઓ સામે અદ્ભુત રમત રમીને યાદગાર જીત નોંધાવી હતી. 

રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પીવી સિંધુનું લક્ષ્ય ટોક્યોમાં ગોલ્ડ જીતવાનું હતું, પણ સેમિ ફાઇનલમાં ચીની તાઇપેની ખેલાડી તાઇ જૂ યિંગ સામેની હારને લીધે તેનું આ સપનું સાકાર થયું ન હતું. જો કે સિંધુએ તે હારને ભૂલીને કાંસ્ય ચંદ્રક જીતીને ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. સિંધુ અને જિઆઓ વચ્ચેની મેચ સહિત કુલ ૧૬ ટક્કર થઇ છે. જેમાં સિંધુને ૭ અને જિઆએને ૯ જીત મળી છે. જો કે આજની નિર્ણાયક જીત સિંધુના નામે રહી હતી.