રિપબ્લિક ટીવી ચેનલના એડિટર ઈન- ચીફ અર્ણવ ગોસ્વામીની એફઆઈઆર રદ કરવા અંગેની પિટિશન સુપ્રીમ કોર્ટે નકારી કાઢીઃ– 

 

 થોડાક સપ્તાહ અગાઉ પાલધરમાં બે સાધુઓની અનિષ્ટ અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ કિસ્સામાં પોતાની રિપબ્લિક ચેનલ પર ટિપ્પણી કરતા અર્ણવ ગોસ્વામીઅ કોંગ્રેસના અગ્રણી નેતા સોનિયા ગાંધી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેની સામે દેશના કેટલાક કોંગ્રેસ શાસિત રાજ્યોમાં અર્ણવ ગોસ્વામી સામે એફઆઈઆર દાખલ કરાઈ હતી. તે એફ આઈઆર રદ કરવા અને પોતાની સામેનો કેસ સીબીઆઈને સોંપવાની માગણી કરતી અરજી અર્ણવ ગોસ્વામીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ કરી હતી. જેની સુનાવણી કરતા નામદાર અદાલતે પોતાનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ એમ આર શાહે અને જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની બેન્ચે જણાવ્યું હતું કે, પ્રેસની સ્વતંત્રતા જરૂરી છે. પ્રેસના સ્વાતંત્ર્ય વિના સ્વતંત્ર નાગરિક રહી ના શકે. પ્રેસનું સ્વાતંત્ર્ય અબાધિત રહે એ જોવાની અમારી જવાબદારી છે. અદાલતે અર્ણવ ગોસ્વામીને ત્રણ સપ્તાહ માટે આંતરિક સુરક્ષા પ્રદાન કરવાનો સરકારને આદેશ કર્યો હતો. આ દરમિયાન તેમના પર કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી નહિ થઈ શકે એમ જણાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, દેશના વિવિધ રાજ્યોમાં અર્ણવ સામે જુદી જુદી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના નાગપુરમાં કરાયેલી એફઆઈઆરને મુંબઈ ટ્રાન્સફર કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. પોતાનો કેસ સીબીઆીને સોંપવામાં આવે એવી માગણી કરતી તેમજ પોતાના સામેની એફઆઈઆર રદ કરવાની માગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી.