રિઝર્વ બેન્કની નીતિ આર્થિક વિકાસને ઉત્તેજન આપશે

 

મુંબઈઃ કરોના વાઇરસને કારણે ઉભી થયેલી આર્થિક સમસ્યાઓનો સામનો કરવા રિઝર્વ બેંકે શુક્રવારે વિવિધ પગલાંઓની જાહેરાત કરી હતી. રેપો દરમાં ૭૫ બેઝીઝ પોઈન્ટનો ઘટાડો કરીને બજારને આશ્ચર્યનો આંચકો આપ્યો હતો કેમ કે બજારની અપેક્ષા ૫૦ બેઝીઝ પોઇન્ટની હતી. ટાર્ગેટેડ લોન્ગ ટર્મ રેપો ઓપરેશન, સીઆરઆરમાં કપાત, એમએસએફમાં વધારો વગેરે પગલાંને કારણે બેન્કિગ વ્યવસ્થામાં ૩.૭૪ લાખ કરોડની પ્રવાહિતા ઉપલબ્ધ થશે. આરબીઆઇએ ૪ ટકાના રિટેલ ફુગાવાનો લક્ષ્ય અકબંધ રાખ્યો છે. મહામારીને કારણે માગ નબળી પડશે અને ક્રૂડ તેલના ઘટતા ભાવ વધારે રાહત આપશે.

રિઝર્વ બેંકે સ્પષ્ટપણે કહ્યું છે કે આર્થિક વિકાસના મામલામાં એ કોઈ અંદાજ મુકવાનું પસંદ નહિ કરે કેમ કે અનેક ફેરફારો થઇ રહ્યા છે અને એ ક્યાં અટકશે એ કોઈ જાણતું નથી. મહામારી ક્યાં સુધી ચાલે છે અને કેટલે ઊંડે પહોંચે છે તેના પરથી તેની જીડીપી પરની અસર નક્કી થશે. પણ ચોથા ત્રિમાસિકમાં વિકાસ ચોક્કસ ઘટશે અને સીએસઓના અગાઉના ૪.૭ ટકાના અંદાજથી ઓછો રહેશે.’

રિઝર્વ બેંકે જાહેર કરેલા પગલાને લીધે સેન્ટિમેન્ટમાં સુધારો થશે અને નાણાકીય વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ વધશે. આગામી બે-ત્રણ મહિનામાં પરિસ્થિતિ સામાન્ય બને એ પછી અર્થતંત્રને ઉત્તેજન આપવા માટે રિઝર્વ બેન્ક વ્યાજ દર ઘટાડશે અને પ્રવાહિતા આપશે એવી અપેક્ષા પણ ઉભી થઇ છે.

આરબીઆઇના પગલાં પછી હવે તેના નીતિ દર (રેપો રેટ) ઘણા વર્ષોમાં સૌથી નીચી સપાટીએ આવી ગયા છે. પણ એટલું પૂરતું નથી કેમ કે બેંકો તેમના ધિરાણ દર ઘટાડશે કે નહિ એ જોવાનું રહે છે. પાછું, અત્યારના સંજોગોમાં જે ક્ષેત્રોને હાનિ થઇ રહી છે તેમને બેંકો લોન આપવા રાજી થશે કે નહિ એ વિષે પણ શંકા રહે છે.ટાર્ગેટેડ લોન્ગ ટર્મ રેપો ઓપરેશનમાં રિઝર્વ બેંકે શરત મૂકી છે કે બેન્કોએ આ પૈસા કોર્પોરેટ ડેબ્ટ સિક્યોરિટીઝમાં રોકવા. 

કમર્શિયલ પેપર જેવા આ સાધનોમાં હમણાં વેચાણનો મારો ચાલ્યો છે અને યીલ્ડ વધ્યા છે. આવા પગલાંને લીધે એનબીએફસી ક્ષેત્રને ફાયદો થશે કેમ કે આ કંપનીઓ બોન્ડ અને સીપી દ્વારા પૈસા એકઠા કરે છે. તાજેતરના દિવસોમાં બેંકો તેમના ફાજલ પૈસા રિવર્સ રેપોમાં રોકતી હતી. રિઝર્વ બેંકે રિવર્સ રેપોમાં વળતરનો દર ઘટાડીને આવા રોકાણને બિન-આકર્ષક બનાવ્યું છે. ડેબ્ટ સર્વીસીંગમાં ત્રણ મહિનાની રાહત અપાઈ છે. પરિણામે દર ઘટાડાનું પ્રવાહન વધશે એમ માની શકાય