રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાર્વભૌમિક ભાઈચારા માટે કાર્ય કરે છેઃ મોહન ભાગવત

0
724

નવી દિલ્હી ખાતો આયોજિત સંમેલનમાં સંઘના સર સંચાલક મોહન ભાગવતે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, હિંદુ રાષ્ટ્રનો અર્થ એ નથી કે એમાં મુસ્લિમો માટે કોઈ જગ્યા નથી. સંઘ તો સાર્વભૌમિક ભાઈચારાની દિશામાં કામ કરી રહયો છે. આ ભાઈચારોનો – બંધુત્વનો  મૂળભૂત સિધ્ધાંત વિવિધતામાં એકતા છે. આ વિચાર આપણી સંસ્કૃતિમાંથી પ્રગટ્યો છે, જેને વિશ્વ હિંદુત્વના નામથી ઓળખે છે. આથી જ આપણે ભારતને હિંદુ રાષ્ટ્ર કહીએ છીએ. સંઘની વિચારધારા સહુને સાથે રાખીને ચાલવાની છે. હિંદુ રાષ્ટ્રનો અર્થ એવો હરગિઝ નથી કે એમાં મુસ્લિમોને સ્થાન ના હોય જે દિવસે એવું કહેવાશે એ દિવસથી  એ હિંદુત્વ રહેશે નહિ. હિંદુત્વ તો વસુધૈવ કુટુમ્બકમની વાત કરે છે.

સંધ દ્વારા આયોજિત ત્રણ દિવસ માટેની  વિશિષ્ટ વ્યાખ્યાનમાળામાં તેમણે કહયું હતું કે, હિંદુત્વ એ ભારતના સાંસ્કૃતિક મૂલ્યોનું સારત્વ છે. તેનો ઉદે્શ વિધ વિધ વિચારસરણી અને ભિન્ન ભિન્ન આસ્થા ધરાવતા લોકોમાં પરસ્પર બંધુત્વની ભાવનાને મજબૂત કરવાનોછે.  મોહન ભાગવતે જણાવ્યું હતું કે, બંધારણના ઘડવૈયા બી આર આંબેડકરે બંધારણ સભામાં આપેલા એક પ્રવચનમાં વિશ્વ બંધુત્વની વાત કરી હતી. દેશવાસીઓ વચ્ચે પરસ્પર ભાઈચારાની ભાવનાને વધુ સુદ્રઢ કરવામાટે આગ્રહ રાખ્યો હતો. આંબેડકરે લોકોની મર્યાદા અને દેશની અખંડિતતાને સુનિશ્ચિત કરવાની વાત કરી હતી.

સંધના સર સંચાલક મોહન ભાગવતે  કહયું હતું કે, સંઘ સર્વ ભવન્તુ  સુખિનની અવધારણામાં વિશ્વાસ ધરાવે છે. અમે (સંઘ) કોઈ એક ભાષા  કે ભગવાનને બાંધતા નથી.

તેમણે કહયું હતું કે, આપણો દેશ જુદા જુદા રાજયો, જુદી જુદી ભાષાઓ અને જુદી જુદી જાતિઓમાં વહેંચાયેલો રહયો છે. આમ છતાં આપણે સહુ પોતાને ભારતમાતાના સંતાન માનીએ છીએ. સાર્વભૌમિક માનવમૂલ્યોને અપનાવીએ છીએ અને તેને અનુસરીએ છીએ. ઈસ્લામને માનનારા પણ એ હકીકતનો સ્વીકાર કરે છે કે, તેની પૂજા- આરાધનાની પધ્ધતિઓ અલગ અલગ હોઈ શકે છે. , પરંતુ છેવટે તો  ભારતમાતાના જ સંતાનો છે.

મંગળવારે 18 સપ્ટેમ્બરે આયોજિત કાર્યક્રમમાં અમેરિકા, સિંગાપુર, જર્મની, જાપાન, અને સર્બિયાના વિદેશી મિશનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કેન્દ્રીયપ્રધાન પ્રકાશ જાવડેકર, શ્રી ગિરિરાજ સિંહ, વિજય સાંપલા તેમજ જેડીયુના નેતા કે સી ત્યાગી અને નિવૃત્ત ન્યાયાધીશો  તથા સૈન્યના ભૂતપૂર્વ કમાન્ડરોએ પણ હાજરી આપી હતી.