રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા -સર્વશ્રેષ્ઠ હિન્દી  ફિલ્મ ન્યૂટન

0
1261

નેશનલ ફિલ્મ એવોર્ડ કમિટીના ચેરમેન અને જાણીતા ફિલ્મ – સર્જક શેખર કપુરે ઈનામોની ઘોષણા કરી હતી. અમિત વી મસુરકર નિર્દેશિત રાજકુમાર રાવ અભિનિત ફિલ્મ ન્યૂટનને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો. માત્ર આઠ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મ ન્યૂટન અત્યાર સુધીમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઈનામો જીતી ચુકી છે. આ ફિલ્મમાં અભિનેતા રાજકુમાર રાવે એક ચૂંટણી અધિકારીની ભૂમિકા ભજવી છે. સદગત અભિનેતા વિનોદખન્નાને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મરણોપરાંત આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. એજ રીતે સદગત અભિનેત્રી શ્રીદેવીને તેમણે ફિલ્મ મોમમાં ભજવેલી ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર અપાયો હતો. શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર રિધ્ધિ સેનને બંગાળી  ફિલ્મ નગરકીર્તન માટે મળ્યો હતો. બાહુબલી-2ને શ્રેષ્ઠ એકશન ફિલ્મ તરીકે નવાજવામાં આવી હતી. શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ માટે મયૂરસખીને, શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ માટે ફિલ્મ ઢને, શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ માટેનો પુરસ્કાર કચ્ચા લિમ્બૂને સહિત વિવિઘ ભારતીય ભાષાઓની ફિલ્મોને પુરસ્કૃત કરવામાં આવી હતી. પટકથા, સંગીત, પાર્શ્ર્વ સંગીત , વેશભૂષા, મેકઅપ, ધ્વનિ- નિયોજન આદિ વિવિધ પ્રકારના કામ માટે ઉત્કૃષ્ટ કામગીરી બજાવનારા વિજેતા કસબીઓના નામોની પણ ઘોષણા કરવામાં આવી હતી.