
રાફેલ વિમાનનો વિવાદ રોજબરોજ વકરતો જાય છે. ભાજપ અને વિપક્ષો – ખાસ કરીને કોંગ્રેસ સતત આક્ષેપો કરતી રહે છે. આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ અને પ્રભાવશાળી નેતા શરદ પવારે નરેન્દ્ર મોદીનો બચાવ કરતું નિવેદન કરીને વિપક્ષોને ચોંકાવી દીધા છે. શરદ પવારે કહયું હતું કે, રાફેલ વિમાનના કરાર પ્રકરણમાં નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રીતે કશું અઘટિત કર્યું હોય એવું લોકો માનતા નથી. લોકોને મોદીની નિયત પર સંદેહ નથી. રાફેલ પ્રકરણ અંગે સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણે સ્પષ્ટીકરણ કર્યું તેથી ગુંચવાડો ઊભો થયો હતો. શરદ પવારે એક મરાઠી ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં કહયું હતું કે, રાફેલ સાથે સંકળાયેલા ટેકનિકલ પાસાંઓ અંગે સરકાર ખુલાસો કરે તેવી માગણી વિપક્ષો કરી રહયા છે. એનો કોઈ મતલબ નથી. જોકે સરકાર એરક્રાફટની કિંમત જાહેર કરે તો એમાં કશું ખોટું નથી. કોંગ્રસ પક્ષ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે અનિલ અંબાણીની રિલાયન્સને ફાયદો કરવા માટે સરકારે હિંદુસ્તાન એરોનોટિકસ લિમિટેડને કરારમાંથી બાકાત કરી દીધી હતી.