રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૩મી જન્મ જયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

 

નવી દિલ્હી: બે ઓક્ટોબરના રોજ દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૩મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. દેશભરમાં બાપુને યાદ કરીને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા હતા. ત્યાં તેમણે બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન વિજયઘાટ પહોંચ્યા હતા અને ત્યાં લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રી મોદી ઉપરાંત અનેક નેતાઓ બાપુના સમાધિ સ્થળ રાજઘાટ પર પહોંચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પહેલા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ખનખડે પણ બાપુને નમન કર્યા હતા. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપતા પહેલા ટ્વીટ કરી આ વખતની ગાંધી જયંતીને ખાસ ગણાવી. તેમણે લોકોને ગાંધી જયંતીનું મહત્વ પણ સમજાવ્યું. જેમણે પોતાનું જીવન સ્વતંત્રતા માટે સમર્પિત કર્યું તેવા ગાંધીજીને યાદ કરવા બે ઓક્ટોબરના રોજ ગાંધી જયંતી મનાવવામાં આવે છે. ગાંધી જયંતી નિમિત્તે મહાત્માને શ્રદ્ધાંજલિ. આ ગાંધી જયંતી ખાસ છે કારણકે, ભારત આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. હું લોકોને બાપુના આદર્શો પર ચાલવા અપીલ કરૂ છું. હું તમને બધાને ગાંધીજીને શ્રદ્ધાંજલિ રૂપે ખાદી અને હસ્તકલા ઉત્પાદનો ખરીદવા વિનંતી કરું છું.

પ્રધાનમંત્રીએ ટ્વીટના માધ્યમથી પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી. તેમણે લખ્યું કે લાલ બહાદુર શાસ્ત્રીને તેમની સાદગી અને નિર્ણાયકતાના કારણે સમગ્ર ભારતમાં ઓળખવામાં આવે છે. આપણા ઈતિહાસના ખૂબ જ મહત્વપૂર્ણ સમયે તેમનું કઠોર નેતૃત્વ હંમેશા યાદ રાખવામાં આવશે. તેમની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ. 

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગાંધી જયંતિ નિમિત્તે બાપુને યાદ કરતાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પર આપણે મહાત્મા ગાંધીના જન્મ દિવસ અને શાંતિ, સમ્માન અને બધા દ્વારા શેર કરવામાં આવેલી આવશ્યક ગરિમાના મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. આપણે મહાત્મા ગાંધીના મૂલ્યોને અપનાવીને અને વિવિધ સંસ્કૃતિઓમાં કામ કરીને આજના પડકારોને હરાવી શકીએ છીએ.

રાજઘાટમાં બાપુની સ્મૃતિમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અન્ય કેટલાંક કેબિનેટ મંત્રીઓ અને અન્ય માન્યગણ હાજર હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here