રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઊજવાઈ

અમદાવાદઃ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવનાર, અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની રાજકોટ સહિત રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ગામેગામ સર્વધર્મ પ્રાર્થનાસભા, સફાઈ અભિયાન, બાપુના વિચારોનું વાચન, સ્વચ્છતાના શપથ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં કીર્તિમંદિરમાં બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેઓ અહીં સર્વધર્મ પ્રાર્થનાસભામાં સામેલ થયા હતા. બાપુની સમાધિ રાજઘાટમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, લોકસભાનાં અધ્યક્ષ સહિત મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
રાજકોટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વકક્ષાના મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીજયંતીએ મ્યુઝિયમમાં મોટી સંખ્યામાં ગાંધીપ્રેમીઓ ઊમટી પડ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાએ અમદાવાદમાં ખાદી ખરીદી કરી હતી. મહાત્મા ગાંધીના જન્મદિન નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ જિતુભાઈ વાઘાણીએ સાબરમતી ગાંધી આશ્રમમાં હૃદયકુંજમાં બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.
ગાંધીજયંતી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યુબિલી બાગથી સાઇકલ રેલી, મહાત્મા ગાંધી પ્રતિમા પાસે સ્વચ્છતાના સંદેશના શપથ તથા મહાનુભાવો દ્વારા વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને સ્વચ્છતાની સમજ આવામાં આવી હતી. મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં જાહેર જનતા માટે વિનામૂલ્યે લેઝર શો ખુલ્લો રાખવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા જિલ્લાનાં 594 ગામોમાં પ્રભાતફેરી, સર્વધર્મ પ્રાર્થના, મહાત્મા ગાંધીના વિચારોનું વાચન, સફાઈ કરેલી જગ્યાએ મહાનુભાવો દ્વારા ગ્રામજનોને સ્વચ્છતાના શપથ લેવડાવવા અને જસદણ તાલુકાના ભાડલા ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં મહાત્મા ગાંધીને પ્રિય એવા ભજનોનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા પ્રાથમિક અને શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લાની 902 પ્રાથમિક શાળામાં અને 692 માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સર્વે કોલેજો, યુનિવર્સિટીનાં અનુસ્નાતક ભવનોમાં મહાત્મા ગાંધીના વિચારોનું વાચન, સ્વચ્છતાના સંદેશા માટે સ્વચ્છતાના શપથ લેવડાવવા વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ગાંધીજયંતીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.