રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં એમ. એસ. યુનિ.નો પદવીદાન

વડોદરાઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વસંતપંચમીના પવિત્ર દિવસે જ યોજાયેલા વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના 66મા પદવીદાન સમારોહનો સુખદ સંયોગ જણાવી વસંતપંચમીને શિક્ષણ સાથેનો સીધો સંબંધ હોવાથી, અહીંથી પદવી મેળવનારાઓના જીવનમાં પણ સદૈવ મા સરસ્વતીની કૃપા બની રહે તેવી હાર્દિક શુભેચ્છા આપી હતી.
આ અવસરે 159 વિદ્યાર્થીઓને 267 સુવર્ણ પદક સાથે 14 વિવિધ ફેકલ્ટીના 11 હજાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ પોતાના દીક્ષાંત પ્રવચનમાં મેડલ-પદવી મેળવનારી દીકરીઓની સંખ્યા વિશેષ જોતાં માત્ર ગુજરાત જ નહિ, પણ સમગ્ર દેશ માટે ગૌરવ લેવા જેવી બાબત હોવાનું જણાવ્યું હતું.
વડોદરા સંસ્કારી નગરી, એક જમાનામાં સાંસ્કૃતિક રાજધાની તરીકેની જાણીતી હતી, જેનું શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડને આપતાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, મહારાજા સયાજીરાવે એજ્યુકેશનને બેસિક એજ્યુકેશન ગણાવ્યું હતું. રાજમાતા શુભાંગિનીદેવી તેમના રાહે આગળ ચાલી રહ્યાં છે.
રાષ્ટ્રપતિએ એમ. એસ. યુનિવર્સિટીના કુલાધિપતિ શુભાંગીનીદેવી ગાયકવાડના નિમંત્રણને માન આપીને વડોદરા આવ્યા છે તેમ જણાવી તેમણે દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત સૌને રાષ્ટ્રપતિ ભવન આવવા અને જોવાનું નિમંત્રણ આપ્યું હતું.

રાજ્યપાલ ઓ. પી. કોહલીએ જણાવ્યું હતું કે ગુજરાતની વિશ્વપ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાનો દીક્ષાંત સમારોહ વસંતપંચમીના પર્વ દિવસે ઊજવાઈ રહ્યો છે. જે ગુજરાત માટે ગૌરવવંતું છે. આ યુનિવર્સિટીએ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગ સાથે તાલ મિલાવી વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને ઉચ્ચતમ શિક્ષણની સાથોસાથ લલિતકલા અને ફાઇન આર્ટ્સ ક્ષેત્રે ગૌરવ અપાવ્યું છે.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મહારાજા સયાજીરાવ ગાયકવાડે સામાજિક સમરસતા અને અસ્પૃશ્યતા નિવારણમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું હતું.
આ અવસરે પ્રારંભમાં કુલાધિપતિ શુભાંગિનીદેવી ગાયકવાડે મહેમાનોને આવકારી પ્રાસંગિક ઉદ્બોધન કરી દીક્ષાંત સમારોહને ખુલ્લો મૂક્યો હતો. ઉપકુલપતિ પરિમલ વ્યાસે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
આ પ્રસંગે ભારતનાં પ્રથમ મહિલા સવિતાબહેન કોવિંદ, પ્રિન્સિપલ સેક્રેટરી અંજુ શર્મા ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here