રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ, હવે સેનેટમાં ૨૨૮ સાંસદોના વોટથી મળી મંજૂરી

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ઘ સંસદના નીચલા ગૃહમાં ચાલી રહેલા મહાભિયોગની કાર્યવાહીને ઉપલા ગૃહ સેનેટમાં મોકલવાના પક્ષમાં સાંસદોએ બુધવારના રોજ મતદાન કર્યું હતું.
ટ્રમ્પની વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ અને સંસદનાં કામમાં અવરોધ ઊભા કરવાના આરોપમાં મહાભિયોગ હવે સેનેટમાં ચાલશે. સેનેટમાં મહાભિયોગની કાર્યવાહી ૨૧મી જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે, એની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કરશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિરુદ્ઘ મહાભિયોગની કાર્યવાહી સેનેટમાં ચલાવવાના પક્ષમાં ૨૨૮ સાંસદો અને વિપક્ષમાં ૧૯૩ સાંસદોએ મતદાન કર્યું. નીચલા સદનમાં સાત મહાભિયોગ પ્રબંધકોની નિમણૂક કરાઈ છે, જે ડેમોક્રેટ્સની તરફથી ટ્રમ્પને રાષ્ટ્રપતિપદ પરથી હટાવવા માટે ચર્ચા કરશે. આ પ્રબંધકોની નિમણૂક નીચલા ગૃહના સ્પીકર નેન્સી પેલોસીએ કરી છે. અત્રે આપને જણાવી દઈએ કે ૪૩૮ સભ્યવાળા નીચલા ગૃહમાં ડેમોક્રેટ્સનો દબદબો છે. ગૃહે ૧૮મી ડિસેમ્બરના રોજ ટ્રમ્પની વિરુદ્ઘ મહાભિયોગ ચલાવવાની મંજૂરી આપી હતી.
અમેરિકાના ૪૫મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દેશના ઇતિહાસના ત્રીજા એવા રાષ્ટ્રપતિ છે, જેમની વિરુદ્ઘ મહાભિયોગને મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે સેનેટમાં રિપબ્લિક સાંસદોનું નિયંત્રણ છે, એવામાં એ વાતની સંભાવના ખૂબ જ ઓછી છે કે ટ્રમ્પને રાષ્ટ્રપતિપદ પરથી હટાવી શકાશે. નિષ્ણાતો માની રહ્યા છે કે ટ્રમ્પની સત્તા પણ હાલ સુરક્ષિત રહેશે, કારણ કે મહાભિયોગની પ્રક્રિયા નીચલા ગૃહમાં પૂરી થયા બાદ પણ રિપબ્લિક બહુમતવાળી સેનેટમાંથી એને પસાર કરાવવું મુશ્કેલ છે. ટ્રમ્પ એક જ સૂરતમાં હટી શકે છે, જ્યારે કમસે કમ ૨૦ રિપબ્લિકન સાંસદ તેમની વિરુદ્ઘ વિદ્રોહનો ઝંડો ઉઠાવી લે તો…, હાલ એની ગુંજાઈશ ખૂબ જ ઓછી છે.
ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે ૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંભવિત પ્રતિદ્વંદ્વી જે. બિડેન અને તેના દીકરાની વિરુદ્ઘ ભ્રષ્ટાચારની તપાસ માટે યુક્રેનની સરકાર પર દબાણ બનાવ્યું. બિડેનના દીકરા યુક્રેનની ઊર્જા કંપનીમાં મોટા અધિકારી છે. ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર જેલેંસ્કીની વચ્ચે થયેલી કથિત ફોન વાર્તા મહાભિયોગ માટે એક મહત્ત્વનો પુરાવો છે.
‘ચૂંટણી પહેલાં ટ્રમ્પની છબીને નુકસાન પહોંચાડવાનો હેતુ’ઃ બીજી બાજુ વ્હાઇટ હાઉસે આશા વ્યક્ત કરી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ મહાભિયોગની પ્રક્રિયાને સરળતાથી પાર કરી લેશે. ચીનની સાથે મંગળવારના રોજ ટ્રેડ ડીલ સાઇન કરતાં સમયે ટ્રમ્પે તેમને મહાભિયોગને માત્ર એક અફવા ગણાવી અને કહ્યું કે એની કોઈ અસર થશે નહિ. ટ્રમ્પના કેમ્પેન મેનેજર બ્રૈડ પાર્સકલે કહ્યું હતું કે ચૂંટણીની બરાબર પહેલાં આ ટ્રમ્પની રાજકીય છબીને નુકસાન પહોંચાડવાનો એક પ્રયાસ છે.