રાષ્ટ્રનો ચોકીદારઃ રાફેલ એરફોર્સમાં સામેલઃ ઇતિહાસમાં નવા યુગની શરૂઆત

 

અંબાલાઃ દુનિયાના સૌથી શક્તિશાળી યુદ્ધવિમાનોમાં સામેલ રાફેલ બુધવારે ફ્રાન્સથી ૭ હજાર કિમીનું અંતર કાપીને પાંચ રાફેલ જેટ બપોરે લગભગ ૩.૧૫ કલાકે અંબાલા એરબેઝ પર ઉતર્યા છે. રાફેલે થોડી વાર સુધી અંબાલાના આકાશમાં ગર્જના કરતા ઉડાન ભરી અને પછી એરબેઝ પર સ્મૂધ લેન્ડિગ કર્યું. પાંચેય રાફેલ એક જ એરસ્ટ્રિપ પર એક પછી એક કરીને લેન્ડ થયા.

રશિયા પાસેથી સુખોઈ વિમાન ખરીદ્યાને ૨૩ વર્ષ પછી એરફોર્સમાં કોઈ નવું વિમાન જોડાયું છે. પાંચ ફ્રેન્ચ બનાવટના રાફેલ મલ્ટિ-રોલ ફાઇટર પ્લેનનો કાફલો બુધવારે ભારતમાં અંબાલામાં લેન્ડ થયો હતો અને દેશની હવાઈ શક્તિને તેના વિરોધી દેશો ઉપર નોંધપાત્ર પ્રોત્સાહન મળતાં તેનું સ્વાગત પાણીની સલામીથી કરવામાં આવ્યું હતું. પાઇલટોએ રાફેલ માટે ખાસ રીતે તૈયાર કરેલા નવ રન-વે પર તેનું લેન્ડિંગ કરાવાયું હતું. એરફોર્સ પ્રમુખ આર. કે. એસ. ભદોરિયા સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમની આગેવાની માટે હાજર રહ્યા હતા. એરફોર્સને રાફેલ વિમાન એવા સમયે મળ્યા છે જ્યારે લદાખમાં ચીન સાથે તણાવ વધ્યો છે. એરફોર્સે લદાખમાં તહેનાતી વધારી છે. રાફેલને   મોરચે મોકલી શકાય છે. 

બુધવારે પાંચ રાફેલ ફાઇટર પ્લેનનો કાફલો ભારતીય વાયુસેનાના અંબાલા હવાઇ મથક પર પહોંચ્યાની ક્ષણો પછી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે  ટ્વિટ કરી જણાવ્યું કે ભારતીય સેનાના ઇતિહાસમાં આ નવા યુગની શરૂઆત છે. આ અત્યાધુનિક વિમાન એરફોર્સની ક્ષમતામાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. તેમણે ચીનનું નામ લીધા વિના કહ્યું કે અમારી ક્ષેત્રીય અખંડતાને ખતરામાં નાખવાની મનશા ધરાવતા લોકોએ હવે ચિંતિત થવાની જરૂર છે. ગયા વર્ષે ઔપચારિક રીતે પ્રથમ ફાઇટર પ્લેન મેળવવા માટે ફ્રાંસની યાત્રા કરનાર સિંહે તેમની ક્ષમતા માટેના મલ્ટિ-રોલ એરક્રાફ્ટ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૬ ફાઇટર વિમાનો ખરીદવાના નિર્ણય બદલ વખાણ કર્યા હતા. ચીનના સૈન્યને તેમણે તીક્ષ્ણ સંદેશ આપ્યો હતો.

રાફેલના લેન્ડિંગ પછી નરેન્દ્ર મોદીએ સંસ્કૃતમાં ટ્વિટ કરીને લખ્યું કે, રાષ્ટ્ર રક્ષાથી વધીને ન કોઈ પુણ્ય છે, ન કોઈ વ્રત છે, ન કોઈ યજ્ઞ છે.

આપને જણાવી દઈએ કે ભારતીય વાયુ સેના પાસે ફાઇટર પ્લેનોની અછતનાં કારણે આ કરાર મહત્ત્વનો હતો. ભારત પાસે હાલ મિગ-૨૧ વિમાનો છે જે ૪૦ વર્ષ જૂનાં છે. ભારત પાસે જેગુઆર વિમાન પણ છે જે ૧૯૭૦નાં સમયમાં ખરીદવામાં આવ્યા હતા. ભારત પાસે એક લડાકુ વિમાન સુખોઈ પણ છે જે ૧૯૯૬માં ખરીદવામાં આવ્યુ હતુ. જેને બે દશક થઈ ગયા છે. ભારતને રાફેલ કરાર પહેલા ૧૨૬ મલ્ટીરોલ લડાકુની જરૂરીયાત ઉભી થઈ હતી